મુંબઈ સહિત દેશમાં લગ્નના બહાને 100થી વધુ મહિલાઓ સાથે ઠગાઈ કરનારો પકડાયો

118

મુંબઇ : મુંબઇ સહિત સમગ્ર દેશમાં ૧૦૦થી વધુ મહિલાઓ સાથે લગ્નના બહાને લાખોની છેતરપિંડી આચરનાર ૩૫ વર્ષના શખ્સની તાજેતરમાં પોલીસે મધ્ય દિલ્હીના પહાડગંજ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી ફરહાન તાસીર ખાન હાલ ઓડીશાના કેઓનઝાર જિલ્લામાં રહે છે.દિલ્હીની પ્રખ્યાત ઓલઇંડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)ની એક મહિલા ડોક્ટરની ફરિયાદને આધારે પોલીસે આ ગઠીયાને પકડી પાડયો હતો.

આ મહિલા ડોક્ટરે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની મુલાકાત ખાન સાથે એક મેટ્રીમોનિયલ સાઇટ દ્વારા થઇ હતી.ખાને અહીં તેની ઓળખાણ એક અનાથ અને કુંવારા વ્યક્તિ તરીકે આપી હતી.તેણે ફરિયાદીને એ વાત ગળે ઉતારવામાં સફળતા મેળવી હતી કે તેણે એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે અને એમબીએ છે તેમજ પોતાનો સ્વતંત્ર બિઝનેસ ચલાવે છે.આ સંદર્ભે દિલ્હી (દક્ષિણ)ના ડીસીપી બેનિતા મેરી જયકરે જણાવ્યું હતું કે ખાને મહિલા સાથે લગ્ન કરવાને બહાને અને ધંધાના વિસ્તરણ માટે કથિત રીતે ૧૫ લાખ રૃપિયા ઉધાર લીધા હતા.આ બાબતની તપાસમાં પોલીસને જાણ થઇ હતી કે ખાને આ રીતે મેટ્રોમોનિયલ સાઇટ પર ઘણી આઇડી બનાવી હતી અને તેના દ્વારા મુંબઇ, દિલ્હી, પંજાબ, યુ.પી. બિહાર, વેસ્ટ બેંગાલ, ગુજરાત, ઓડીશા અને અન્ય રાજ્યોની મહિલાઓ સાથે મિત્રતા બાંધી હતી.તેને પોલીસે કોલકાતાથી ટ્રેક કર્યો અને અંતે દિલ્હીથી પકડી પાડયો હતો.

ખાન મોંઘીદાટ કારમાં ફરતો અને આ કાર તેની હોવાની છાપ ઉભી કરી મહિલાઓને પ્રભાવિત કરતો.જ્યારે ખરેખર તો આ કાર તેના એક સંબંધીની માલિકીની હતી.ખાન એક શહેરથી બીજા શહેરમાં સતત ફરતો રહેતો અને વીડિયો કોલ કરી એવું દર્શાવતો કે તે ખૂબ ધનવાન છે.ડીસીપી જયકર અનુસાર તે મહિલાઓને તેની વાર્ષિક આવક ૩૦થી ૪૦ લાખ હોવાનું કહેતો.જ્યારે વાસ્તવિક્તામાં ખાન પરણેલો હોઇ તેને ત્રણ વર્ષની પુત્રી પણ છે.તેના પરિવારમાં પિતા અને બહેનનો પણ સમાવેશ થાય છે.જ્યારે તેણે મહિલાઓને જણાવ્યું હતું કે તેના માતા- પિતાનું અકસ્માતમાં મોત થયું હતું.પોલીસે ખાન પાસેથી એક મોબાઇલ ફોન, ચાર સીમકાર્ડ, એક કાર, નવ એટીએમ કાર્ડ, એક કાંડા ઘડિયાળ જપ્ત કરી હતી.

Share Now