વડોદરા : વડોદરામાં પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા સતત ઊઠતી રહી છે.અહીં લિકેજના ઉપરાછાપરી બનતા બનાવોને કારણે પાણીની લાઇનો ડેમેજ થતા જૂની અને જર્જરિત લાઇનોને લીધે તેમજ બાજુમાંથી ગટરની લાઇન પસાર થતા દૂષિત પાણીના પ્રશ્નો વધી ગયા છે.આજવા ટાંકીની બાજુમાં આવેલ સરસ્વતી અને કમલરજ સોસાયટીમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ મળતા સરસ્વતી સોસાયટીમાં બે સ્થળે લાઇન કાપી હતી અને ઘર નં.૭૫ થી ૭૯ પાસે લાઇનમાં ફોલ્ટ હોવાથી લાઇન બંધ કરવામાં આવી હતી.જો કે આમ કરતા કમલરજમાં પાણી બરાબર ચોખ્ખું મળતું થયુ હતું, તેમ કોર્પોરેશનનું કહેવું છે.
કલાલી ગામમાં, તાંદળજામાં શબાનાપાર્કમાં, સૂર્યા પેલેસ નજીક, તાંદળજામાં સ્વાગત ડુપ્લેક્સ પાસે, ગાયત્રીનગર ટાંકીની સામે, કરોડિયામાં દેસાઇપુરામાં તથા અલકાપુરી સંપતરાવની ચાલી પાસે પાણીની લાઇનમાં લિકેજ હોવાની ફરિયાદ મળતા રિપેરિંગ કરવામાં આવ્યું હતું.બે દિવસ અગાઉ ગોત્રીમાં પણ ગંદા પાણીની ફરિયાદો હતી, જેના લીધે ત્રણ ઘરની લાઇન પર ફોલ્ટ હોવાથી લાઇન બંધ કરતા પાણીની ગુણવત્તા સુધરી હતી.