મુંબઈ, તા.૧૩ : મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ યુવા બેટ્સમેન તિલક વર્માએ ચેન્નાઈ સામેની મેચમાં શાનદાર દેખાવ કરતાં અણનમ ૩૪ રનની નિર્ણાયક ઈનિંગ રમી હતી.તિલક વર્માએ મેદાન પર જ હાથ જોડયા હતા અને તેની તસવીરો વાઈરલ બની હતી.૧૯ વર્ષીય ક્રિકેટરે કોની સામે હાથ જોડયા હતા, તેનું સસ્પેન્સ મેચ બાદ ખુલ્યું હતુ.મુંબઈ-ચેન્નાઈની મેચ જોવા માટે તિલકના બાળપણના કોચ સલામ બયાશ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા અને તિલકે તેના કોચને નમસ્કાર કર્યા હતા.
અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી આગળ આવેલા તિલક વર્માની કારકિર્દીને આઇપીએલ સુધી પહોંચાડવામાં તેન કોચ સલામ બયાશનો ફાળો ઘણો મહત્વનો કહ્યો છે.તિલક વર્માના પિતા સાધારણ ઈલેક્ટ્રિશીયનનું કામ કરે છે.તેની પ્રતિભાને પારખનારા કોચ સલામ બયાશે તેના ક્રિકેટનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. તેને જરુરી ન્યુટ્રીશીયન મળી તેવું ભોજન પણ તેમણે જ પુરું પાડયું હતુ અને તેમના પરિવારના પાંચ સભ્યોની સાથે તિલકને પણ તેમના ઘરમાં જ આશરો આપ્યો હતો.તિલક તેના કોચના ઘરે રહીને જ ક્રિકેટ શીખ્યો હતો.
હૈદરાબાદના આ યુવા ખેલાડીએ મેદાન પરથી જ તેના કોચનું અભિવાદન કરતાં દુનિયાની નજર તેમના તરફ ગઈ હતી.તિલકે આઇપીએલની આ સિઝનની ૧૨ મેચમાં ૪૦.૮૯ની સરેરાશથી ૩૬૮ રન નોંધાવ્યા હતા.તે એક સિઝનમાં સૌથી વધુ રન ફટકારનારો ટીનએજર બની ગયો છે.તેણે આ મામલે રિષભ પંતનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.પંતે ૨૦૧૭માં દિલ્હી તરફથી ૧૪ મેચમાં ૩૬૬ રન ફટકાર્યા હતા.
તિલક વર્મા (મુંબઈ) ૧૨ મેચમાં ૩૬૮ રન ૨૦૨૨
રિષભ પંત (દિલ્હી) ૧૪ મેચમાં ૩૬૬ રન ૨૦૧૭
પૃથ્વી શૉ (દિલ્હી) ૧૬ મેચમાં ૩૫૩ રન ૨૦૧૯