નવી દિલ્હી, તા. 13 મે 2022 શુક્રવાર : તિલક વર્મા માટે આઈપીએલ 2022 ઘણુ ખાસ રહ્યુ છે.તેઓ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન છે.19 વર્ષના આ યુવા ખેલાડીએ પોતાના પ્રદર્શનથી તમામનુ ધ્યાન ખેંચ્યુ છે.તેમણે અંતિમ મેચમાં સીએસકે સામે 34 રન બનાવ્યા અને ટીમને જીત પણ અપાવી.જોકે મુંબઈની ટીમ પ્લેઓફની રેસથી બહાર થઈ ચૂકી છે.મેચમાં સીએસકે ટીમ પહેલા રમતા માત્ર 97 રન જ બનાવી શકી હતી. જવાબમાં મુંબઈએ લક્ષ્યમાં 31 બોલ બાકી રહેતા 5 વિકેટ પર પ્રાપ્ત કરી લીધી.આ ટીમની 12 મેચમાં માત્ર ત્રીજી જીત છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડા તિલક વર્માની બેટિંગથી પ્રભાવિત જોવા મળ્યા.ચેન્નઈ અને મુંબઈ સામે મેચ દરમિયાન તેમણે કહ્યુ કે આ યુવા બેટ્સમેન ભવિષ્યના મુંબઈના કેપ્ટન છે.તેમણે આઈપીએલની વર્તમાન સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યુ. તિલકે અત્યાર સુધી 12 મેચમાં 41 ની સરેરાશથી 368 રન બનાવ્યા છે.ટીમના અન્ય કોઈ બેટ્સમેન 350 રનના આંકડાને સ્પર્શી શક્યા નહીં.તેમણે 2 અડધીસદી પણ ફટકારી છે.સ્ટ્રાઈક રેટ 133 નો છે.
સીએસકે વિરુદ્ધ જીત બાદ મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ કહ્યુ કે તિલક વર્મા જલ્દી ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળી શકે છે.તેમણે કહ્યુ કે તેણે આકરી પરિસ્થિતિઓમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે.આટલા શાંત દિમાગથી રમવુ સરળ નથી.તે તમામ ફોર્મેટનો ખેલાડી છે.તેમની પાસે ટેકનિક છે.તેમણે કહ્યુ કે તેમાં સારુ પ્રદર્શન કરવાની આવડત છે.મારા હિસાબે તેઓ યોગ્ય રસ્તા પર છે.આપણા સૌ ની નજર તેની પર છે.
આ મેચ પહેલા તિલક વર્માએ 26 ટી20ની મેચમાં 33ની સરેરાશથી 715 રન બનાવ્યા હતા. 5 અડધીસદી ફટકારી હતી.75 રનની સૌથી મોટી ઈનિંગ રમી છે.આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 140 રહ્યો છે.હૈદરાબાદમાં જન્મેલા તિલકે અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસના 4 અને લિસ્ટ-એ ના 16 મેચ રમ્યા છે.ફર્સ્ટ ક્લાસમાં તેમણે 32 ની સરેરાશથી 255 રન બનાવ્યા છે.2 અડધીસદી ફટકારી છે.ત્યાં લિમિટેડ ઓવરના ફોર્મેટમાં 52ની સરેરાશથી 784 રન બનાવ્યા છે.3 સદી અને 3 અડધીસદી ફટકારી છે.