મુંબઈ, તા. 13 મે 2022, શુક્રવાર : મુંબઈ ઈન્ડિયન્સના (MI) કેપ્ટન રોહિત શર્માએ ગુરૂવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને પરાજય આપ્યા બાદ શરૂઆતમાં જલ્દી વિકેટ પડવાના કારણે પોતે થોડો ડરી ગયો હોવાનું જણાવ્યું હતું.જોકે સાથે જ રોહિત શર્માને વિશ્વાસ પણ હતો કે, તેઓ જીતી જશે.
આ તરફ CSKના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)એ હારી ગયા બાદ પણ બોલર્સની પ્રશંસા કરી હતી. IPLની બે સૌથી સફળ ટીમ ટુર્નામેન્ટના પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.મેચમાં CSKની ટીમ પહેલા રમીને માત્ર 97 રન જ બનાવી શકી હતી.જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે લક્ષ્યને 14.5 ઓવર અને 5 વિકેટર પર હાંસલ કરી લીધું હતું.3 વિકેટ લેનારા ડાબોડી ફાસ્ટ બોલર ડેનિયલ સૈમ્સ પ્લેયર ઓફ ધ મેચ બન્યા છે.મેચમાં ટોસ દરમિયાન એમએસ ધોનીએ કહ્યું હતું કે, રવીન્દ્ર જાડેજા જેવા ખેલાડીને જોઈએ તો તેઓ ટીમના મજબૂત પક્ષ છે.કેટલાક ખેલાડીઓ એવા હોય છે જે ટીમનું કોમ્બિનેશન નક્કી કરે છે.જાડેજા તે પૈકીના એક છે.
ઉલ્લેખનીય છે કે, જાડેજા ઈજાના કારણે ટી20 લીગની વર્તમાન સીઝનમાંથી બહાર થઈ ગયા છે.તેમણે શરૂઆતની 8 મેચમાં ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી.મેચ બાદ ધોનીએ કહ્યું કે, વિકેટ જેવી પણ હોય 130 રનથી ઓછા સ્કોરનો બચાવ કરવો મુશ્કેલ હતો. મેં બોલર્સને વિપક્ષી ટીમ પર દબાણ બનાવવાનું કહ્યું. યુવાન બોલર્સે સારી બોલિંગ કરી.તેમને અનુભવ સાથે કશું શીખવા મળી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, મુકેશ ચૌધરીએ શરૂઆતમાં 3 વિકેટ ઝાટકી હતી.સિમરનજીત સિંહે પણ સારી બોલિંગ કરી હતી.