ઈસ્લામાબાદ, તા. 15. મે. 2022 રવિવાર : 1947માં ભાગલા વખતે તોફાનોના ડરથી રાવલપિંડી ખાતે પોતાનુ ઘર છોડીને ભારત આવી ગયેલા અને પૂણેમાં રહેતા 90 વર્ષના દાદી રીના વર્માને 75 વર્ષ બાદ પોતાનુ પાકિસ્તાન સ્થિતિ ઘર જોવાનો મોકો મળ્યો છે.90 વર્ષના દાદી રીના વર્માનો ચહેરો પોતાના પિતાએ પાઈ પાઈ જોડીને બનાવેલુ ઘર જોવા મળવાની આશામાં ખુશીથી ચમકી રહ્યો છે.
રીના વર્માને આ તક કેવી રીતે મળી તેની પાછળ પણ રસપ્રદ ઘટનાક્રમ છે.બે વર્ષ પહેલા કોરોનાકાળમાં તેમણે ફેસબૂક પર પોસ્ટ મુકીને પોતાના પાકિસ્તાન સ્થિત ઘર સાથે જોડાયેલી યાદો શેર કરી હતી અને ઘર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.આ દાદીની પોસ્ટ પર રાવલપિંડીમાં મોજુદ સજ્જાદ ભાઈ નામના નાગરિકની નજર પડી હતી.તેમણે રીના વર્માનુ ઘર શોધી કાઢ્યુ હતુ અને તેની તસવીરો તથા વિડિયો પણ મોકલ્યા હતા.
રીના વર્માનાપુત્રી સોનાલીએ ગયા વર્ષે પોતાની માતાને પાકિસ્તાનના વિઝા મળે તેવો પ્રયત્ન કર્યો હતો પણ વિઝા રિજેક્ટ થયો હતો.જોકે સોનાલીએ એક પાક પત્રકારની સલાહ પર પોતાની માતાનો વિડિયો બનાવ્યો હતો.હવે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી હીના રબ્બાનીના ધ્યાનમાં આ વિડિયો આવ્યો હોવાતી રીના વર્માને પાકિસ્તાને 90 દિવસના વિઝા આપ્યા છે.રાવલપિંડિમાં પોતાનુ ઘર જોવા મળશે તે જાણીને રીના વર્મા ખુશ છે અને તે કહે છે કે, હું એ તમામ લોકોને મળીશ, જેઓ મારી સાથે જોડાયા છે.
રાવલપિંડિમાં પ્રેમ ગલીમાં તેમનુ ઘર હતુ.આ ગલીનુ નામ રીના વર્માના પિતા પ્રેમ ચંદના નામ પર પડ્યુ હતુ.રીના કહે છે કે, તોફાનો થયા ત્યારે અમારા ટેલર શફી ભાઈએ મારી માતાને તેમની દુકાનમાં આશરો આપ્યો હતો.તેઓ કહે છે કે, ભાગલા પડ્યા ત્યારે સ્થિતિ ખરાબ હતી પણ અમને કોઈ સમાજ માટે મનમાં નફરત નથી.જે પાછળ છુટી ગયુ છે તેના માટે હજી પણ મને પ્રેમ છે અને આજકાલ લોકોમાં નફરત કેમ વધી રહી છે તે વાત હું સમજી શકતી નથી.