તમે નરકમાં જશો..શરદ પવાર સામે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર મરાઠી એક્ટ્રેસને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ

303

મુંબઈ, તા. 15. મે. 2022 રવિવાર : મહારાષ્ટ્રના રાજકીય દિગ્ગજ અને એનસીપીના સુપ્રીમો શરદ પવાર સામે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકનાર મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે.ગઈકાલે કેતકીની પોલીસે થાણેમાંથી શરદ પવાર સામે આપત્તિજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી.એ પછી મુંબઈ પોલીસે કેતકીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી હતી.

આ મામલામાં નાસિકમાંથી ફાર્મસીના સ્ટુડન્ટ નિખિલ ભામરેની પણ ધરપકડ કરવામાં આવી છે.આ બંને સામે પોલીસે આપત્તિજનક કોમેન્ટ કરવા માટે કેસ નોંધ્યો હતો.આ પોસ્ટમાં જોકે શરદ પવારનુ પુરુ નામ નહોતુ લખાયુ, માત્ર અટકનો ઉલ્લેખ હતો.પોસ્ટમાં પવાર અને 80 વર્ષની વય એવુ લખવામાં આવ્યુ હતુ અને સાથે સાથે ઉલ્લેખ કરાયો હતો કે, નરક તમારી રાહ જોઈ રહ્યુ છે, કારણકે બ્રાહ્મણોથી તમને નફરત છે.આરોપ છે કે, આ પોસ્ટ શરદ પવાર સામે જ કરવામાં આવી હતી.

આ પોસ્ટ બાદ થાણે તેમજ પૂણેમાં એનસીપીના કાર્યકરોએ પોલીસ ફરિયાદ આપી હતી.ધૂળેમાં પણ અભિનેત્રી સામે ફરિયાદ થઈ હતી.બીજી તરફ ફાર્મસી સ્ટુડન્ટ ભામરેએ પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે, બારામતીના ગાંધી માટે બારામતીના નાથૂરામ ગોડસે બનવાનો સમય આવી ગયો છે.ઉલ્લેખનીય છે કે, બારામતી શરદ પવારનુ હોમ ટાઉન છે.દરમિયાન શરદ પવારનુ કહેવુ છે કે, મને આ પ્રકારની પોસ્ટ અંગે જાણકારી નથી.હું ચિતાલેને નથી જાણતો અને તેણે શું પોસ્ટ કરી છે તે પણ મને ખબર નથી.અભિનેત્રીએ શું કહ્યુ છે તે જ્યાં સુધી હું વાંચુ નહીં ત્યાં સુધી આ મામલા પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.

Share Now