
મુંબઈ, તા. 15. મે. 2022 રવિવાર : ભણવાની અદમ્ય ઈચ્છા અને તેજસ્વીતાના કોઈ બંધન નડતા નથી અને આ વાત સરિતા માળીએ સાબિત કરી બતાવી છે.એક સમયે મુંબઈના ટ્રાફિક સિગ્નલ પર પિતા સાથે ફુલ વેચવા માટે બેસતી સરિતા હવે અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત પૈકીની એક કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચડી કરવા જઈ રહી છે.સરિતા અને તેનો પરિવાર કામની તલાશમાં યુપીથી જોનપુર આવી ગયો હતો.તે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે ફૂલો વેચવા માટે ટ્રાફિક સિગ્નલ પર બેસતી હતી.આમ છતા અભ્યાસ તરફ તેનો ઝુકાવ એવો હતો કે, પિતાએ તમામ તકલીફો વેઠીને તેને સ્કૂલમાં મોકલવાનુ ચાલુ રાખ્યુ હતુ.
ધો.10માં હતી ત્યારથી સરિતાએ બાળકોના ટ્યુશન શરુ કર્યા હતા.પૈસા બચાવીને તેણે કોલેજમાં બીએ અને બાદમાં જેએનયુમાં અભ્યાસનુ પોતાનુ સપનુ પુરુ કર્યુ હતુ.અહીંયા એમએનો અને એમફિલનો અભ્યાસ કરતી વખતે પીએચડી કરવાનુ સપનુ તેણે જોયુ હતુ અને આ સપનુ સાકાર થવા જઈ રહ્યુ છે.સરિતાએ પોતે ફેસબૂક પર લખ્ય છે કે, અમેરિકાની બે જાણીતી યુનિવર્સિટીઓ વોશિંગ્ટન યુનિવર્સિટી અને અને કેલિફોર્નિયા યુનિવર્સિટીએ મને પીએચડી માટે ફેલોશિપ ઓફર કરી હતી અને મેં કેલિફોર્નિયા યુનિવર્સિટીની પસંદગી કરી છે.આ યુનિવર્સિટીએ મને ચાન્સેલર ફેલોશિપ ઓફર કરી છે.
સરિતા કહે છે કે, નાનપણથી મારા પિતા મને કહેતા હતા કે, જો ભણીશ નહીં તો આખુ જીવન અસ્તિત્વ ટકાવી રાખવાના અને બે ટંક ખાવાની વ્યવસ્થા કરવામાં પુરુ થઈ જશે , અભણ તરીકે સમાજમાં અપમાનિત થતી રહીશ અને દેશ માટે પણ તુ કોઈ યોગદાન આપી નહીં શકે.