ભારતે થોમસ કપ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી ઈતિહાસ સર્જ્યો

313

બેંગકોક, તા. 15 મે 2022, રવિવાર : થોમસ કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતે ઈતિહાસ સર્જ્યો છે.ટીમે પ્રથમ વખત ફાઈનલનો ખિતાબ જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ઈન્ડોનેશિયા સામેની મેચમાં 3-0ની અજેય બઢત બનાવી લીધી છે.પહેલી મેચમાં લક્ષ્ય સેને એન્થોની સિનિસુકાને 8-21, 21-17, 21-16થી હરાવ્યો હતો.
બીજો મુકાબલો ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ 18-21, 23-21, 21-19થી જીતી લીધો હતો.ત્રીજી મેચ સિંગલ્સની રહી જેમાં કિદાંબી શ્રીકાંતે જોનાતન ક્રિસ્ટીને 21-15, 23-21થી પરાજય આપ્યો.ભારતીય ટીમે મલેશિયા અને ડેનમાર્ક જેવી ટીમને હરાવીને પ્રથમ વખત ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.આમ ટીમનો આત્મવિશ્વાસ ખૂબ જ મજબૂત રહ્યો હતો.આ સાથે જ ફાઈનલમાં 14 વખતના રેકોર્ડ ચેમ્પિયન ઈન્ડોનેશિયાને હરાવીને ઈતિહાસ સર્જ્યો છે.

ત્રીજી મેચ સિંગલ્સમાં રમાઈ હતી.તેમાં કિદાંબી શ્રીકાંત અને જોનાતન ક્રિસ્ટી સામસામે હતા.મેચની શરૂઆતથી જ કિદાંબીએ પોતાનો દબદબો જાળવ્યો હતો અને ક્રિસ્ટીને કોઈ પણ જાતની તક નહોતી આપી.કિદાંબીએ સીધા સેટમાં ક્રિસ્ટીને 21-15, 23-21થી પરાજય આપ્યો.કિદાંબીના આ વિજયે ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં 3-0થી વિજયી બનાવ્યું.

બીજી મેચ ડબલ્સમાં રમાઈ હતી જેમાં ભારતીય જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સામનો કેવિન સંજાયા અને મોહમ્મદ અહસાનની જોડી સામે હતો. તે મેચ ખૂબ રોમાંચક રહી.તેમાં પહેલો સેટ ઈન્ડોનેશિયાની જોડી 21-18થી જીતી.જ્યારે બીજા સેટમાં ભારતીય જોડીએ બાજી પલટી નાખી અને 23-21થી સેટ જીતીને મેચ બરાબર કરી.ત્યાર બાદ ભારતીય જોડી ત્રીજો સેટ 21-19ના અંતરથી જીતી.આમ ભારતે મેચમાં 2-0થી બઢત મેળવી.

લક્ષ્ય અને એન્થોની સિનિસુકા વચ્ચે રોમાંચક મુકાબલો રહ્યો.પહેલો સેટ એન્થોનીએ 21-8થી પોતાના નામે કર્યો તો બીજો સેટ 21-17થી જીતીને લક્ષ્યએ મેચ બરાબર કરી દીધી. ત્રીજા સેટમાં 21-16થી જીતીને લક્ષ્યએ મેચ પોતાના નામે કરી લીધી.આ ટુર્નામેન્ટમાં ઈન્ડોનેશિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને તે વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહ્યું.જ્યારે ભારતીય ટીમને એકમાત્ર હાર ગ્રુપ-સ્ટેજમાં ચીની તાઈપે સામે મળી હતી.જોકે હવે ફાઈનલમાં ભારતે ઈન્ડોનેશિયાને આકરો પરાજય આપ્યો છે.

Share Now