નવી દિલ્હી, તા. 15. મે. 2022 રવિવાર : ભારતના ઉભરતા ઝડપી બોલર ઉમરાન મલિક પોતાની ઝડપના કારણે ચર્ચામાં છે.હાલમાં રમાઈ રહેલી આઈપીએલમાં તે સતત 150 કિમી કરતા વધારે ઝડપથી બોલિંગ કરી રહ્યો છે.આ સિઝનમાં ઉમરાન મલિકે આઈપીએલના ઈતિહાસનો બીજા નંબરનો સૌથી ઝડપી બોલ 157 કિમીની ઝડપે ફેંક્યો હતો.ઉમરાનની સરખામણી પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તર સાથે થઈ રહી છે.શોએબના નામે 161 કિમીની ઝડપે સૌથી ફાસ્ટેસ્ટ બોલ નાંખવાનો રેકોર્ડ નોંધાયેલો છે.
હવે શોએબ અખ્તરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે, ઉમરાન મારો રેકોર્ડ તોડવાના ચક્કરમાં પોતાના હાડકા ના તોડાવી બેસે તે વાતની મને ચિંતા છે.હું તેની કેરિયર લાંબી ચાલે તેવુ ઈચ્છુ છું.મારો 20 વર્ષ જુનો રેકોર્ડ ઉમરાન તોડશે તો મને ખુશી થશે.મારી દુઆ છે કે, તે ફિટ રહે અને ઈજાગ્રસ્ત ના થાય.
શોએબે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, ટી 20 વર્લ્ડકપ માટે ઉમરાનને ભારતીય ટીમમાં જગ્યા મળવી જોઈએ, હું તેને સતત રમતો જોવા માંગુ છું.એમ પણ વિશ્વ ક્રિકેટમાં 150 કિમીની ઝડપે બોલ નાંખનારા ગણ્યા ગાંઠ્યા બોલરો હાલમાં રહી ગયા છે.મને ખુશી થશે જો તે 100 માઈલ પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે પણ તેણે ઈજા ના થાય અને તેના કારણે કેરિયર ખતમ ના થાય તેનુ ધ્યાન રાખવુ પડશે.