વડોદરા, : તા.15 સાવલી તાલુકામાં મંજુસર જીઆઇડીસીમાં આવેલી કંપનીઓમાં સ્ક્રેપની ખરીદીના ધંધાની અદાવતમાં વડોદરાના સ્ક્રેપના વેપારી પર અન્ય બે વેપારીઓએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.
વડોદરા નજીક બાજવામાં કરચિયારોડ પર જયભવાની સોસાયટીમાં રહેતો સુનિલ દીપારામ નાયક મંજુસર જીઆઇડીસીની કંપનીઓમાં છુટક સ્ક્રેપ લેવાનો વેપાર કરે છે.તા.૧૩ના રોજ સુનિલ બાઇક લઇને મંજુસરના વેપારી ભાર્ગવ પટેલની ઓફિસે પૈસા આપવા માટે ગયો હતો.જો કે વેપારીની ઓફિસ બંધ હોવાથી સુનિલ ત્યાં ઊભો હતો ત્યારે સ્ક્રેપના અન્ય બે વેપારીઓ વિજય ઓમજી દાયમા(રહે.સિકોતરગામ સોસાયટી, બાજવા-કરોડિયારોડ) અને રોહિત પહાડિયા(રહે.ખોડિયારપાર્ક સોસાયટી, મધુનગર કેનાલની બાજુમાં, ગોરવા)એ આવીને તું અહીં કેમ ઊભો છે, અહીંથી જતો રહે તારે અહીં આવવાનું નહી તેમ કહી અપશબ્દો બોલવાનું શરૃ કરતા ઝઘડો થયો હતો.બાદમાં સુનિલ બાઇક પર ઘેર જવા માટે નીકળ્યો હતો.
દરમિયાન થોડા સમય પછી વિજયનો ફોન આવ્યો હતો અને સમાધાન માટે સુનિલને પ્રેસ્ટીઝ પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે બોલાવ્યો હતો.સુનિલ શોપિંગ સેન્ટર પાસે પહોંચતા જ બંનેએ લોખંડની પાઇપથી હુમલો કરી માર માર્યો હતો અને આજ પછી તારે અહીં ધંધો કરવા માટે આવવાનું નહી તેમ કહ્યું હતું.મારથી બચવા માટે સુનિલે બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ જતા બંને હુમલાખોરો ભાગી ગયા હતાં.ભાદરવા પોલીસે બંને હુમલાખોરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.