ક્વોરી ઉદ્યોગની ૧૭ માંગણીઓ લેખિતમાં નહીં સ્વીકારાય તો હડતાળ યથાવત

389

ડેસર તા.૧૫ ગુજરાત સ્થાપના દિવસ તા.૧લી મેથી શરૃ થયેલી કવોરી સંચાલકોની હડતાળનો અંત આવે તેવી શક્યતા છે.બે સપ્તાહથી રાજ્યભરમાં ચાલતી હડતાળના પગલે જાગેલી સરકારે કવોરી ઉદ્યોગના ૧૭ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ગાંધીનગરમાં ખનીજ કમિશનરની કચેરીએ બ્લેક સ્ટોન એસોસિએશનની બેઠક આવતીકાલે બોલાવી છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સાંજે ખાણ ખનીજ કમિશનરની અધ્યક્ષતામાં ગુજરાત કવોરી એસોસિએશનના હોદ્દેદારો અને કોર કમિટિ સાથે ઓનલાઇન મિટિંગનું આયોજન કરાયું હતું. ઓનલાઇન બેઠકમાં કવોરી ઉદ્યોગની પડતર માંગણીઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેનો હકારાત્મક યોગ્ય ઉકેલ લાવવા માટે આવતીકાલે સોમવારે ચાર વાગે ગાંધીનગરમાં ભૂસ્તર વિજ્ઞાાન અને ખનીજ કમિશનરની કચેરીએ ક્વોરી એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજાશે.

ઓનલાઇન મળેલી બેઠકમાં ગુજરાત કવોરી એસોસિશેનના પ્રમુખે સરકાર સમક્ષ સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે અમારી તમામ માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે.મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લાની ૧૮૦ જેટલી કવોરીઓ છેલ્લા બે સપ્તાહથી હડતાળના કારણે બંધ છે.

Share Now