વડોદરા,નવાયાર્ડ વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતે મારક હથિયારો સાથે ફરતા બે જૂથના ત્રણ આરોપીઓ ફતેગંજ પોલીસી સતર્કતાથી પકડાઇ ગયા હતા.પોલીસે ઘાતક હથિયારો ભરેલી બે કાર સહિત ૧૭.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં વાહનચેકિંગમાં હતો.તે દરમિયાન નવાયાર્ડ અલજુબેર મસ્જિદ પાસે એક કાર રોકીને તપાસ કરતા કારમાંથી અણીદાર ખિલ્લા લગાવેલી સ્ટીલની ૩ પાઇપ, લોખંડના બે પાઇપ મળી આવ્યા હતા.જેથી,પોલીસે કારચાલક કાસીમખાન ઇરફાનભાઇ પઠાણ (રહે.ફાતિમા પાર્ક, ગોરવા)ની સામે ગુનો દાખલ કર્યો હતો.પોલીસે કાર,હથિયારો અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા૫.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેની કારની બાજુમાં ઉભેલી કાર હતી.તેમાંથી પણ પોલીસને લાકડાના ૨૦ ડંડા મળી આવ્યા હતા.પોલીસે કારચાલક મહંમદહુસેન નસીફખાન પઠાણ (રહે.સંતોકનગર સોસાયટી,છાણીરોડ)ની સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસે પકડાયેલા આરોપીઓની તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે,પકડાયેલા કાસીમખાન તથા મહંમદહુસેનને ચિશ્તિયાનગર પાસે રહેતા ઇકબાલ સાથે અદાવત ચાલતી હતી.તેણે હથિયારો રાખ્યા હોઇ તેઓએ પણ હથિયારો રાખી મૂક્યા હતા.પોલીસે ઇકબાલ કલ્લુભાઇ પઠાણ (રહે.ચિશ્તિયાનગર,છાણી જકાતનાકા)ની ત્યાં તપાસ કરતા વાંસના મજબૂત ૧૨ ડંડા મળી આવ્યા હતા.