ચોકડી ગામે દેશી દારૂની ધગતી ભઠ્ઠીઓ ઉપર પોલીસની તવાઈ

235

ભાવનગર : બરવાળા તાલુકાના ચોકડી ગામે આજે શુક્રવારે બોટાદ પોલીસ બેડાના અધીકારીઓ અને ૬૦ પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટુકડીએ દરોડા પાડી દેશી દારૂ પાડવાની ધગતી ભઠ્ઠીઓ ઝડપી લઈ જાડી જાખરા, કાદવ-કિચડ અને પાણીના વોકળામાં છુપાવી રખાયેલ ટીપડા પકડી પાડી દારૂ ગાળવાના ૩૦ બેરલ કબજે લઈ આથાના જથ્થાનો નાશ કર્યો હતો.જ્યારે પોલીસના દરોડા દરમિયાન ત્રણ બુટલેગર ફરાર મળ્યા હતાં.પોલીસ ટુકડીની તવાઈને લઈ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના અને બરવાળા તાલુકાના ચોકડી ગામે દેશી દારૂની ધગતી ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાની મળેલ પુર્વ બાતમી આધારે આજે શુક્રવારે બોટાદ પોસ્ટેના ઈન્ચાર્જ પીઆઈ પંડીત, બરવાળા પોસ્ટેના પીએસઆઈ રબારી, રાણપુર પોસ્ટેના પીએસઆઈ રાણા, ગઢડા પોસ્ટેના પીએસઆઈ કરમટીયા, પાળીયાદ પોસ્ટેના પીએસઆઈ ઝાલા સહીતના અધીકારીઓ અને ૬૦ પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટુકડી બનાવી ચોકડી ગામ સીમાડે દરોડા પાડયા હતા.સીમ વિસ્તારમાં ધમધમતી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ તોડી પાડી જાડી-જાખરા, કાદવ-કીચડ અને પાણીના વોકળામાં દારૂ ગાળવા માટે દાટી રખાયેલ અને છુપાવી રખાયેલ ૩૦ ટીપડા-બેરલ ઝડપી લઈ દેશી દારૂ કબ્જે લઈ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો આથાનો જથ્થો સ્થળ ઉપર નાશ કર્યો હતો.જ્યારે એક બાઈક મળી આવતા કબજે લીધુ હતુ.પોલીસ ટુકડીએ જુદા જુદા દરોડા પાડી બરવાળા તાલુકાના ચોકડી ગામના અરવિંદ છનાભાઇ દેવીપુજક, મેહુલ છનાભાઇ દેવીપુજક, સંજય છનાભાઇ દેવીપુજક સામે જુદા જુદા પ્રોહીબીશન એક્ટ તળે ગુના દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. બોટાદ પોલીસની દેશી દારૂની ધગતી ભઠ્ઠીઓ પર તવાઈને લઈ જિલ્લાના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Share Now