ભાવનગર : ગારીયાધારના મેસણકા ગામના શખ્સે સોશીયલ મીડિયાના ફેસબુક એકાઉન્ટમાં સમાજમાં ભય ફેલાવાના અને મોભો પાડવાના ઈરાદે હથીયાર સાથે ફોટા વાયરલ કરતા સ્પેશ્યલ ઓપરેશન ગૃપના સ્ટાફે તેની ધરપકડ કરી પુછપરછ કરતા કેદારીયાના શખ્સે પરવાના વાળુ હથીયાર આપ્યુ હોવાનું ખુલતા બન્ને શખ્સ સામે ગુનો નોંધાવા પામ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગૃપનો સ્ટાફ સોશીયલ મીડિયા ઉપર વોચમાં હતા. તે વેળાએ સોશીયલ મીડિયાના ફેસબુક ઉપર આસીફ સંધી નામના એકાઉન્ટમાં સમાજમાં ભય ફેલાવાના ઈરાદે અને શોખ ખાતર શખ્સે હથીયાર સાથે પોતાનો ફોટો અપલોડ કરેલ જણાતા એસઓજીએ કાર્યવાહી કરી તપાસ હાથ ધરતા ફેસબુક એકાઉન્ટ ગારીયાધાર તાલુકાના મેસણકા ગામે રહેતા આસીફ ગુલુભાઈ સીરમાણનું હોવાનું જાણમાં આવતા મેસણકા ગામેથી શખ્સની અટક કરી પુછપરછ કરતા તેના પાસે હથીયાર પરવાનો ન હોવાનું જણાવી ફોટામાં દેખાતુ મજર લોડ બંદુક તેના મામા દાદુ ગુલમહમદ દલ (રે. કેદારીયા, તા. સાવરકુંડલા)નું હોવાની કબુલાત આપી હતી.
શખ્સની કબુલાતને લઈ સ્પેશયલ ઓપરેશન ગૃપના સ્ટાફે દાદુ દલને સમજ કરી ગારીયાધાર પોલીસ મથક બોલાવી હથીયાર બાબતે પુછતા મજરલોડ બંદુક તેની હોવાનું અને તેની પાસે પાક રક્ષણનું લાઈસન્સ હોવાનું જણાવતા પોતાનું લાઈસન્સ વાળુ હથીયાર અન્ય પાસે હથીયાર પરવાનો નથીં તેવા વ્યક્તિને આપી લાઈસન્સ ધારકની શરત ભંગ કરતા જણાઈ આવતા સ્પેશ્યલ ઓપરેશન ગૃપના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ દશરથસિંહ ગોહિલે કેદારીયા ગામના ભાણીયા આસીફ ગુલુભાઈ સીરમાણ અને કેદારીયાના મામા દાદુ ગુલમહમદ દલ સામે ફરિયાદ આપતા ગારીયાધાર પોલીસે હથીયારધારા ૨૯, ૩૦ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.