કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે યુવાનોના વોટરપાર્કમાં ધૂબાકા

136

ભાવનગર : છેલ્લા એકાદ સપ્તાહથી ભાવનગર સહિત ગોહિલવાડમાં સૂર્યનારાયણએ એકાએક રોદ્ર સ્વરૃપ ધારણ કરતા ગગનમાંથી અંગારા વરસી રહ્યા હોય અંગ દઝાડતી ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ભારે ગરમીથી ત્રાહિમામ થયેલા યુવાનો વોટરપાર્ક અને રીસોર્ટના સ્વીમીંગ પુલનો સહારો લેવા મજબૂર થઈ રહ્યા છે. ભાવનગરમાં અસહ્ય ગરમી પડી રહી હોય જેના પગલે ગરમીથી રાહત મેળવવા માટે ભાવનગર શહેરમાં અને આસપાસના તાલુકામથકોમાં આવેલા વોટરપાર્કમાં હાલ વેકેશન હોય શનિ રવિની જાહેર રજાના દિવસોમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

આજથી સાતથી આઠ વર્ષ પહેલા ભાવનગર શહેરમાં એક પણ વોટરપાર્ક ન હતો. ત્યારથી ભાવનગર શહેરમાંથી નીયમીતપણે ખાનગી ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ એજન્સીઓ તેમજ ખાનગી ગૃપો દ્વારા દર શનિવાર અને રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં ભાવનગરથી મહેસાણા સહિતના અન્ય શહેરોમાં આવેલા વોટરપાર્કની સ્પેશ્યલ ટ્રીપના ભાવનગરથી આવવા જવાનું ભાડુ, વોટરપાર્કનુ ભાડુ અને લંચના પેકેજ સાથેના આયોજન થઈ રહ્યા છે.દરમિયાન છેલ્લા પાંચેક વર્ષથી ભાવનગર શહેર અને નજીકના તાલુકા મથકોમાં ક્રમશ વોટરપાર્ક શરૃ થઈ રહ્યા છે. હાલ ભાવનગર નજીકના ઉંડવી, ઘોઘા, ઢસા, મહુવા સહિતના સ્થળોએ વોટરપાર્ક ગરમીના દિવસોમાં તરવૈયાઓથી ધમધમી રહ્યા છે.આ વોટરપાર્કમાં અવનવ રાઈડસ,સ્લાઈડર,એમ્યુઝમેન્ટ પાર્ક, કલબ હાઉસ, થીમપાર્ક, થીમ હોટલ રૃમ, રિવર ફ્રન્ટ,એડવેન્ચર પાર્ક, એમેનિટિઝ, ઈન્ડોર અને આઉટડોર ગેમ્સ,ફલાવર ગાર્ડન,ફાબુલા, બોડી સ્લાઈડર, ઓપન,ટનલ ફલોટ સ્લાઈડર,પર્લ, ક્રેબ, સ્નેક વ. રાઈડ, રેઈન ડાન્સ, લેઝી રીવર, કાંગારૃ હોપ, ફલાઈંગ સ્વીગર, સ્વીગીંગ એનિમલ,એરો ફાઈટર, વેવપુલ, બાળકો અને કપલ માટેના સ્પેશ્યલ પુલ, ક્રેઝી રીવર્સ, સ્પે. વોટરફોલ, સેલ્ફી પોઈન્ટ અને મલ્ટી રેસ્ટોરન્ટ આકર્ષણ જમાવી રહ્યા છે.સામાન્ય રીતે ઉનાળાની શરૃઆતથી જ વીકેન્ડની રજામાં મોટા ભાગના યુવાનો આસપાસના વોટરપાર્ક તરફ દોડી જતા હોય છે.ભાવનગર સહિત રાજયભરમાં હાલ ૪૫ થી વધુ નાના મોટા વોટરપાર્ક આવેલા છે કે જેમાં એન્ટ્રી ટીકીટ, કોસ્ચ્યુમ, લોકર, ફૂડ,ડ્રીંકસના મળી હાલ રૃા ૪૦૦ થી લઈને વિવિધ ફેસીલીટીઓ મુજબ ઉંચા દર વસુલવામાં આવે છે.કમ્મરતોડ મોંઘવારીના કારણે આ વર્ષે વોટરપાર્કના ભાડામાં ટીકીટદીઠ અંદાજે રૃા ૫૦ થી ૧૦૦ નો વધારો ઝીંકાયો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ.હાલ ઉનાળાની સીઝનમાં આ વોટરપાર્કના સંચાલકોને તેમજ તેની ટ્રીપના આયોજક ખાનગી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓર્ગેનાઈઝર્સની સીઝન ખરા અર્થમાં જામી રહી છે.

કોરોના કાળ દરમિયાન લોકડાઉન જાહેર કરવામાં આવતા આ વોટરપાર્ક સંપૂર્ણપણે બંધ રહેતા સંચાલકો ઉનાળામાં પણ નવરાધૂપ રહ્યા હતા.તમામ વોટરપાર્ક સંપૂર્ણપણે બંધ રહેતા સંચાલકોને મેઈન્ટેનન્સ ખર્ચ કાઢવામાં ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

Share Now