સુરત,તા. 16 મે 2022,સોમવાર : સુરતના અલથાણ ગાર્ડન નજીક હળપતિવાસમાં રહેતા શ્રમજીવી પરિવારની 8 વર્ષની બાળકી અને તેનો 4 વર્ષનો ભાઈ ગતરાત્રે ઘર પાસે રમતા હતા ત્યારે ગુમ થઈ જતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અલથાણ ગાર્ડન પાસે હળપતિવાસ કાળુભાઈના મકાનમાં પત્ની સીતાદેવી અને બે પુત્રી-ત્રણ પુત્રો સાથે રહેતા 39 વર્ષીય આકાશસિંઘ કાલુસિંઘ ભટાર ચાર રસ્તા પાસે શ્રી ગણેશ ભોજનાલયમાં ચાર મહિનાથી મજૂરીકામ કરે છે.ગતરોજ નોકરીએ રજા હોય કાલુસિંઘ વેસુ ખાતે રહેતા ભાઈ મનોજને મળવા ગયો હતો.ત્યાંથી સાંજે છ વાગ્યે પરત ફર્યા બાદ રાત્રે 8.30 વાગ્યે જમી પરવારી તે પત્ની સાથે બેઠો હતો ત્યારે સૌથી મોટી પુત્રી ઐશુ ( ઉ.વ.8 ) અને પુત્ર રવિ ( ઉ.વ.4 ) ઘરના આંગણામાં રમતા હતા.
રાત્રે 9 વાગ્યે સુવા જવા માટે કાલુસિંઘ બહાર બંને બાળકોને લેવા ગયો તો તેઓ નજરે ચઢ્યા નહોતા.આથી મહોલ્લામાં અને પરિચિતોને ત્યાં તપાસ કરી હતી.છતાં બંનેની ક્યાંય ભાળ મળી નહોતી.તેથી મોડીરાત્રે બંનેના ગુમ થયાની જાણ ખટોદરા પોલીસ મથકમાં કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.