ઘઉંના નિકાસ પર પ્રતિબંધ મુદ્દે ખેડૂત સમાજ અને આગેવાનના મંતવ્ય અલગ-અલગ

295

સુરત : કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર મુકેલા પ્રતિબંધને ઉઠાવી લેવા ગુજરાત ખેડૂત સમાજે માંગ કરી છે.જયારે માજી દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખે આ પ્રતિબંધને દેશના હિતમાં ગણાવતા ખેડૂત સમાજના આગેવનો બે અલગ અલગ મંતવ્યો આપી રહ્યા છે.

કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકતા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે રજુઆત કરતા જણાવ્યું કે, આ પ્રતિબંધથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થાય એવી પરિસ્થિતિ ઉભી થશે. સરકાર વારંવાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, જે આ નિર્ણય સાથે સુંસગત નથી.વધતી જતી મોંધવારી, વધતા જતા ડિઝલના ભાવ અને ખેતી કરવા માટે જરૃરી એવા બિયારણ, ખાતર, દવા, મજુરીના ભાવો વધવાથી ખેતી ખર્ચાળ બનતી જાય છે.એવા સંજોગોમાં સરકારનો ઘઉંની નિકાસ પર પ્રતિબંધનો નિર્ણય ખેડૂતો માટે નુકસાનકારક હોવાથી પ્રતિબંધ તત્કાળ ખેંચવા માંગ કરી છે.સાથે ઘઉંની મીનમમ પ્રાઇઝ 3,000 પ્રતિ કિવન્ટલ કરવામાં આવે, ખેત વપરાશ માટે ડિઝલ પર ૫૦ ટકા સબસીડી આપવામાં આવે અને કૃષિ પંચની રચના કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.

જ્યારે ખેડૂત સમાજના દક્ષિણ ગુજરાતના માજી પ્રમુખ જયેશ પટેલે (દેલાડ) ઘઉંની નિકાસ પરના પ્રતિબંધને દેશ હિતમાં ગણાવ્યો હતો.તેમના જણાવ્યા મુજબ ભારતમાં તીવ્ર ગરમીના કારણે સ્થાનિક ઉત્પાદન અગાઉની ઘારણા કરતા ઓછુ થવાનું છે.ઊંચા ભાવના કારણે સરકારી ખરીદી ઘટી ગઇ છે.ત્યારે સરકારે સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહે, વધે નહીં એવા હેતુથી તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.આથી આ નિર્ણય દેશના હિતમાં છે.ઘઉંનો સ્ટોક ઘટી રહ્યો છે અને ઊંચા ભાવના બજારમાંથી ખરીદી થઇ રહી નથી.એટલે નિકાસ ઉપર પ્રતિબંધ મુકવાની જાહેરાત થઇ છે.

Share Now