ઘઉંની નિકાસ બાબતે દિવાસ્વપ્નમાં રાચતી સરકાર વાસ્તવિકતા સામે આવતાં ઊંઘતી ઝડપાઈ ગઈ

324

– સરકારી પ્રધાનોના કહેવાથી મોટા નિકાસ ઑર્ડરો મેળવનારાઓ રાતોરાત નિકાસ બંધ થતાં કરોડો રૂપિયાની ખોટના ખાડામાં ઊતરી ગયા

– દુનિયામાં ઘઉંની નિકાસમાં ભારતનો ડંકો વગાડવા તમામ પ્રધાનો રાતદિવસ ઉજાગરા કરતા હતા,પણ ઘરઆંગણે ઘઉંના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચતાં નિકાસને રાતોરાત બંધ કરવાની નોબત આવી : સરકારી પ્રધાનોના કહેવાથી મોટા નિકાસ ઑર્ડરો મેળવનારાઓ રાતોરાત નિકાસ બંધ થતાં કરોડો રૂપિયાની ખોટના ખાડામાં ઊતરી ગયા

ઘઉંનો મામલો હાલ એકાએક ચર્ચાના એરણે ચડ્યો છે.દરેક ઘરમાં હાલ ઘઉંનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.છેલ્લાં બે અઠવાડિયાંથી ઘઉં બાબતે કંઈ ને કઈ ચમકતું રહ્યું છે.રશિયા અને યુક્રેન ઘઉંના મોટા નિકાસકારો હોવાથી બન્ને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઘઉંના ભાવ અને નિકાસ બાબતે ચહલપહલ શરૂ થઈ હતી.વિશ્વમાં ભારત ઘઉંના ઉત્પાદનમાં ચીન પછી બીજો ક્રમ ધરાવે છે.ચીન,અમેરિકા,કૅનેડા,ઑસ્ટ્રેલિયા,યુરોપિયન દેશો,રશિયા અને યુક્રેન ઘઉંના મોટા ઉત્પાદકો છે,પણ ઘઉંની નિકાસ માર્કેટમાં રશિયા અને યુક્રેનનો વર્ષોથી દબદબો હતો.રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થતાં વિશ્વના ઘઉં આયાત કરનારા દેશોએ ઘઉં કયાંથી ખરીદવા એ પ્રશ્ન ઊભો થયો હતો.

ભારતમાં વર્ષોથી ઘઉંનું સરપ્લસ ઉત્પાદન થઈ રહ્યું છે.છેલ્લાં ૧૦-૧૨ વર્ષથી જે-તે સરકારને ઘઉંનો સંગ્રહ કયાં કરવો એ પ્રશ્ન હંમેશાં સતાવતો રહ્યો છે.ઘઉં રાજકીય રીતે સંવેદનશીલ હોવાથી એક પણ સરકાર ઘઉંની નિકાસ માટે વિચારતી નહોતી. કૉન્ગ્રેસની સરકાર વખતે શરદ પવાર કૃષિપ્રધાન હતા ત્યારે એક વખત ઘઉંની આયાત કરવાની નોબત આવી હતી ત્યારે કૉન્ગ્રેસની સરકાર અને શરદ પવાર પર દેશભરમાંથી માછલાં ધોવાયાં હતાં.ત્યાર બાદ ઘઉંની નિકાસ બાબતે કોઈ સરકાર આગળ આવતી નહોતી. ૨૦૧૯ સુધી દર વર્ષે નામપૂરતી ચાર-પાંચ લાખ ટન ઘઉંની નિકાસ થતી હતી. ૨૦૨૦માં કોરોનાકાળ પછી નરેન્દ્ર મોદી સરકારે ઍગ્રીકલ્ચર પ્રોડક્ટની નિકાસ વધારવા જોર લગાવ્યું હતું એમાં ઘઉંની નિકાસ માટે બહુ જ મોટી તક દેખાતાં નિકાસ માટે પ્રયત્નો શરૂ કર્યા અને પ્રયત્નોના પહેલા જ વર્ષે ચાર-પાંચ લાખ ટનની નિકાસ વધીને ૩૮ લાખ ટને અને બીજા વર્ષે ૭૦ લાખ ટનથી વધી ગઈ.ઘઉંની નિકાસ બાબતે વિશ્વબજારમાં ભારતનો ડંકો વગાડવાની તક મળતાં ચાલુ વર્ષે સરકારે ઘઉંની નિકાસનો ટાર્ગેટ વધારીને ૧૦૦ લાખ ટનનો કર્યો હતો.

રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું તથા ભારત સહિત અનેક દેશોમાં ગ્લોબલ વૉર્મિંગને કારણે ભારે ગરમી પડતાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો એટલે ભારતીય ઘઉં ખરીદવા અનેક દેશોની પડાપડી ચાલુ થઈ.ઘઉંની નિકાસમાં એકદમ સારી પ્રગતિ જોઈ સરકારને પણ ચાનક ચડી હતી.વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ,વિદેશપ્રધાન સહિત સરકારના ટોચના પ્રધાનો ઘઉંની નિકાસ વધારવા રાતદિવસ ઉજાગરા કરી રહ્યા હતા.પીયૂષ ગોયલ તો નિકાસકારોને બોલાવીને ઘઉંની નિકાસમાં આવતી અડચણો દૂર કરવા ભારે જહેમત ઉઠાવી નિકાસકારોને વધુ ને વધુ ઘઉંની નિકાસ કરવા પ્રોત્સાહન આપતા હતા. ઘઉંની આયાત કરનારા નવ દેશોમાં સરકારે ખાસ ડેલિગેશન રવાના કરીને ભારતીય ઘઉંની નિકાસ વધારવા ખાસ પગલાં લીધાં હતાં.
એવામાં સરકારના ધ્યાનમાં આવ્યું કે ઘઉંના ભાવ ડગલે ને પગલે વધી રહ્યા છે.અધૂરામાં પૂરું મોંઘવારી આંક એપ્રિલમાં વધીને આઠ વર્ષની ઊંચાઈએ પહોંચી ગયો હતો.ખાદ્ય ચીજોનો ફુગાવો એક વર્ષમાં સાડાત્રણ ગણો વધીને આવતાં બધાની ઊંઘ ઊડી ગઈ હતી અને રાતોરાત તંત્ર કામે લાગી ગયું.પરિણામ સ્વરૂપ મોંઘવારીને કાબૂમાં લેવા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકાયો, પણ રાતોરાત મુકાયેલા પ્રતિબંધથી અનેક નવા પ્રશ્નો ઊભા થયા જેનું સૉલ્યુશન હવે સરકાર પાસે નથી, પણ ઘઉંની નિકાસના સોદા કરનારા નિકાસકારો,વેપારીઓ અને એને સંલગ્ન આખા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ કારણ કે રાતોરાત ઘઉંની નિકાસ પર નિયંત્રણો આવતાં કરોડો રૂપિયાની ખોટના ખાડામાં ઊતરવાની નોબત આવી હતી.

ઘઉંની નિકાસ પર નિયંત્રણો મૂકવામાં સરકાર તરફથી ઉતાવળે કાચું કપાયું છે : દેવેન્દ્ર વોરા – સેક્રેટરી, ઇન્ડસ્ટ્રિયલ સેલ, બીજેપી-મુંબઈ

વિશ્વમાં ઘઉંની નિકાસમાં ભારતનો ડંકો વગાડવાની એકધારી મોહિમ વચ્ચે ઘઉંની નિકાસ પર રાતોરાત પ્રતિબંધ મૂકવાનું પગલું ઉતાવળિયું અને સંકલનના અભાવે કાચું કપાયું હોવાનું જણાય છે.આવું જ કઠોળની આયાત પર નિયંત્રણો મૂકવા બાબતે પણ અગાઉ થયું હતું. સરકારે ૨૦૨૧ની ૨૩ જૂને કઠોળની આયાત પર નિયંત્રણો મૂક્યાં હતાં અને ત્યાર બાદ કાચું કપાયું હોવાનું અહેસાસ થતાં બીજી જુલાઈએ સરકારને નિયંત્રણનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો.આવી જ રીતે ઘઉંની નિકાસ પર રાતોરાત નિયંત્રણો મુકાવાથી નિકાસકારો અને સંલગ્ન વેપારીઓ,ટ્રકમાલિકો,મજૂરો વગેરે મોટી ખોટના ખાડામાં ઊતરી ગયા છે.હાલ કંડલા-ગાંધીધામ પર ૭૦૦૦ ટ્રકની લાઇનો છે. ૨૬૫૦ ટનની ઘઉં ભરેલી ૨૯ રેલવે રેક વિવિધ પોર્ટ તરફ જવા રસ્તામાં છે. આમ, બધુ મળીને ૧૧થી ૧૨ લાખ ટન ઘઉંનો જથ્થો નિકાસની રાહે હતો એનું ભવિષ્ય રાતોરાત ધૂંધળું બની ગયું છે.હાલ ઘઉંના ભાવ વધ્યા છે એમાં પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવનો પણ હિસ્સો છે.વળી સરકારે ચાલુ વર્ષે એક કરોડ ટન ઘઉંની નિકાસનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો ત્યારે આ લક્ષ્યાંક હજી પૂરો થયો નથી ત્યાં જ ઘઉંની નિકાસ પર નિયંત્રણો મૂકવાનો નિર્ણય કેટલાંક મોટાં માથાંઓને જ લાભ આપવાનો હોય એવું લાગે છે.હવે વગ ધરાવનારાઓને જ ઘઉંની નિકાસની છૂટ મળશે એવું આ નિર્ણય પરથી લાગી રહ્યું છે.

ઘઉંની નિકાસ વધારવાના જોરદાર પ્રયત્ન વચ્ચે નિકાસબંધી આવતાં આશ્ચર્ય : ખુશવંત જૈન – અગ્રણી એક્સપોર્ટર, જી. એસ. એક્સપોર્ટ-મુંબઈ

સરકાર દ્વારા ઘઉંની નિકાસ વધારવા છેલ્લા આઠ-દસ દિવસથી જોરદાર પ્રયત્ન ચાલતા હતા. દેશના ખૂણે-ખૂણે નિકાસ કરનારાઓને બોલાવી તેમના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવીને ઘઉંની નિકાસ વધારવા પ્રયત્ન કરવાનું કહેવામાં આવતું હતું. ડાયરેક્ટર જનરલ ઑફ ફૉરેન ટ્રેડ,ઍગ્રીકલ્ચર પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી અને કૉમર્સ મિનિસ્ટરી દ્વારા ઘઉંની નિકાસ વધારવા શ્રેણીબદ્ધ મીટિંગો યોજાઈ રહી હતી. સરકારે નવ દેશોમાં ઘઉંની નિકાસ વધારવા ખાસ ડેલિગેશન મોકલ્યા હોવાના સમાચારો મીડિયામાં આવ્યા હતા.ઘઉંની નિકાસ વધારવા મૅરથૉન કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ઘઉંની નિકાસ પર એકાએક પ્રતિબંધ લગાવવાનો નિર્ણય આવતાં આશ્ચર્ય ફેલાયું છે.છેલ્લા કેટલાક દિવસોથી ઘઉંની નિકાસ એટલા મોટા પાયે થતી હતી કે અન્ય ચીજોની નિકાસ માટે ટ્રક કે વેસલ્સ મળતી નહોતી.ગાંધીધામ,કંડલા તથા દેશના મોટા પોર્ટ પર ઘઉંના ટ્રકોની લાઇન લાગી હોવાના ફોટો સોશ્યલ મીડિયામાં ફરતા હતા.એક વાત નિશ્ચિત છે કે વિશ્વમાં ભારત સિવાય એક પણ દેશમાં ઘઉં નથી.આથી જો નિકાસ પ્રતિબંધ ન મુકાયા હોત તો ભારતે ઘઉંની આયાત કરવી પડે એવી સ્થિતિ આવીને ઊભી થવાની શક્યતા હતી.ઘઉંના ભાવ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા હોવાથી જો નિકાસ નિયંત્રણો ન નખાયાં હોત તો ભાવ આસમાની ઊંચાઈએ પહોંચવાની પણ શક્યતા હતી.

Share Now