નવી દિલ્હી,તા.17 મે 2022,મંગળવાર : મધ્યપ્રદેશમાં ખરગોન અને સેધવા બાદ નીમચમાં કોમી અથડામણની વધુ એક ઘટના બની છે.મળતી વિગતો પ્રમાણે નીમચમાં 5000 ચોરસફૂટની સરકારી જમીન પર દરગાહ છે.સોમવારે સાંજે પાંચ વાગ્યે કેટલાક લોકોએ દરગાહ પાસે જ હનુમાનજીની મૂર્તિ સ્થાપવા માટે પ્રયત્ન કર્યો હતો.જેની સામે દરગાહમાં હાજર લોકોએ આપત્તિ વ્યક્ત કરી હતી.જેને લઈને બંને જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. રાત્રે આઠ વાગ્યા સુધીમાં વિવાદ વકર્યો હતો અને મોટા પાયે લોકો ભેગા થયા બાદ તોફાની તત્વોએ પથ્થરમારો કરીને એક બાઈકને આગ ચાંપી દીધી હતી.પોલીસે બંને પક્ષોને સમજાવવા માટે કંટ્રોલ રૂમમાં બોલાવ્યા હતા અને સમયે કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો.એ પછી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયરગેસના સેલ પણ છોડયા હતા. હાલમાં પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને અઘોષિત કરફયૂ જેવા માહોલ શહેરમાં નજરે પડી રહ્યો છે.