નવી દિલ્હી : અમેરિકન એમ્બેસીએ ભારતમાં સ્ટુડન્ટ વિઝા માટેના ઇન્ટરવ્યૂ સ્લોટ્સ ખોલવાની જાહેરાત કરી છે.એફ,એમ અને જે કેટેગરીના વિઝા માટે જૂન અને જુલાઇના પ્રથમ પખવાડિયાની તારીખ આપવામાં આવશે.ગયા વર્ષે દિલ્હી ખાતેની અમેરિકન એમ્બેસી અને ભારત ખાતેના કોન્સ્યુલેટ્સે સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યૂ ઘણા મોડા ૧૪ જૂને શરૂ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે સ્ટુડન્ટ વિઝાની પ્રક્રિયા ખોરવાઈ હતી.જોકે, આ વખતે અમેરિકન યુનિવર્સિટીમાં જવા ઇચ્છુક અને જેમને અમેરિકન યુનિવર્સિટીના સ્ટુડન્ટ I-20 ડોક્યુમેન્ટ્સ મળી ચૂક્યા છે એવા લોકો ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકશે.ચાલુ વર્ષે સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યૂ વહેલા શરૂ કરાયા હોવાથી અમેરિકન અધિકારીઓને ગયા વર્ષના ૬૨,૦૦૦ની તુલનામાં રેકોર્ડ સ્ટુડન્ટ વિઝા જારી કરવાની આશા છે.અમેરિકન એમ્બેસી દ્વારા સ્ટુડન્ટ વિઝા અંગેની તાજેતરની જાહેરાતમાં પહેલી વખત વિઝાની એપોઇન્ટમેન્ટ બુક ન થાય તો વિદ્યાર્થીઓને ગભરાટ નહીં કરવા જણાવ્યું છે.જાહેરાતમાં જણાવ્યા અનુસાર “તમને આ વખતે એપોઇન્ટમેન્ટ ન મળે તો ગભરાશો નહીં.અમે જૂન,જુલાઇ અને ઓગસ્ટમાં વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.ત્યાર પછી જુલાઇના બીજા પખવાડિયા અને ઓગસ્ટ માટેના સ્લોટ્સ શરૂ કરીશું.”
અરજદારોને રાહત આપવા અમેરિકન એમ્બેસીએ અગાઉ સ્ટુડન્ટ વિઝાની અરજી નકારી કાઢવામાં આવી હોય તેમને બીજી તક નહીં આપવાના વલણમાં ફેરફાર કર્યો હતો.જાહેરાતમાં કરાયેલી સ્પષ્ટતા અનુસાર “તમારી અરજી અગાઉ નકારી કાઢવામાં આવી હોય તો ઓગસ્ટના બીજા પખવાડિયામાં એપોઇન્ટમેન્ટ્સ આપવામાં આવશે.એ વખતે તમને ઇન્ટરવ્યૂની બીજી તક મળશે.”