બોટાદ : બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં શેઢા બાબતે ચાલી રહેલા ઝઘડામાં 64 વર્ષીય ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલને પિતા-પુત્ર એ સોરીયાના ઘા મારી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયેલ છે.જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા રાણપુર પી.એસ.આઈ એસ.ડી.રાણા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.જ્યારે બોટાદ એલ.સી.બી.ને જાણ થતા એલ.સી.બી.ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં અળવ-સેંથળી કાચા રસ્તે આવેલ ધજાગરા તરીકે ઓળખાતી વાડીએ શેઢા બાબતે છેલ્લા કેટલાક દિવસથી ઝઘડો ચાલતો હોય ત્યારે આજરોજ ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ રહે.બોટાદ(ઉ.વ.64)અળવ ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ પાણી વાળતા હતા તે દરમ્યાન લઘરભાઈ માવજીભાઈ ચાવડા અને હરેશભાઈ લઘરભાઈ ચાવડા બંને રહે.બોટાદ વાળા વાડીએ હાથમાં સોરીયા લઈને આવી પાણી વાળતા ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ ને માથા ના ભાગે સોરીયા ના ઘા મારતા ઘનશ્યામભાઈ હડીયલ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.જ્યારે લોહીલુહાણ હાલતમાં ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલને 108 એમબ્યુલન્સ મારફતે બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યા ફરજ પરના ડોક્ટરે ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ(ઉ.વ.64 રહે.બોટાદ)ને મૃત જાહેર કરવામાં આવેલ રાણપુર પોલીસે હત્યારા લઘરભાઈ માવજીભાઈ ચાવડા(ઉ.વ.70),હરેશભાઈ લઘરભાઈ ચાવડા(ઉ.વ.42) બંને રહે.બોટાદ પિતા-પુત્ર વિરૂધ્ધ આઈ.પી.સી.કલમ 302,34,જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધી હત્યારા પિતા-પુત્ર ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.
રાણપુર પોલીસે ગુન્હાની ગંભીરતાથી લઈ બંને આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરતા રાણપુર પોલીસને બાતમી મળેલ કે બંને આરોપીઓ હત્યા કરીને રાણપુર બાજુ ભાગ્યા છે.ત્યારે પોલીસ સ્ટાફે બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરતા પોલીસે ગણતરીની કલાકોમાં રાણપુર શહેરમાં સરકારી દવાખાના પાસેથી બંને હત્યારા પિતા-પુત્ર ને ઝડપી લઈ જેલ ના સળીયા પાછળ ધકેલી દીધા હતા.