સુરત : બેંક ઓફ બરોડાની રિજીયોનલ ઓફિસમાં સફાઈ તથા હાઉસકીપિંગનું કામ આઉટ સોસગથી કરાવવાની સૂચનાનો બેંક કર્મચારી સંગઠને વિરોધ કર્યો છે.આઉટસોસગ આગામી દિવસોમાં અન્ય બીજા કામો માટે પણ કરાવાશે એવો ડર છે.બેંક ઓફ બરોડાએ તાજેતરમાં તેમની ઝોનલ ઓફીસને સૂચના આપી છે કે બેંકનું સફાઈ તેમજ હાઉસકીપીંગનું કાયમી પ્રકારનું કામ બહારની એજન્સીને આપી કરારી કર્મચારીઓથી કરાવવાનું છે.ઈન્ડીયન બેંક એસો.અને બેંક કર્મચારી સંગઠન (એઆઇબીઇએ) સાથે થયેલ સમાધાનમાં સ્પષ્ટ જોગવાય છે કે સફાઈનું અને હાઉસ કીપીંગનું કામ બેંકના કાયમી કર્મચારીઓ મારફત જ કરાવવું.બહારની સંસ્થાના કરારી કર્મચારી પાસે આ કામ બેંક કરાવવા માંગે છે.જે સમાધાનનો સ્પષ્ટ ભંગ છે.આવી એજન્સી બેંક પાસેથી તગડી રકમ વસુલી તેના કર્મચારીને ક્ષુલ્લક વેતન આપે છે,એમ યુનિયનના સૂત્રોએ કહ્યું હતું.આઉટ સોર્સીંગને કારણે બેંકમાં સફાઈ અને હાઉસકીપીંગનું કામ કરવા માટે નિમાતા કાયમી કર્મચારીઓની ભરતી બંધ થશે અને તેઓને બદલી પણ નહી મળી શકે.ભવિષ્યમાં કલાર્કનું કામ પણ આ રીતે બહારની સંસ્થા મારફત કરાવશે.હાલમાં ઓફીસરને હંગામી પગારથી બાંધી મુદત માટે નોકરીએ રાખેલ છે.
કાયમી પ્રકારનું શાર્શ્વત કામ બહારની સંસ્થા મારફત કરાવવાથી બેંકોમાં ભરતી બંધ થવાની સાથોસાથ બાંધ્યા પગારના કરારી કર્મચારીઓની ફોજ ઉભી થશે,જેનું ભવિષ્ય ધૂંધળુ થઈ જશે.કર્મચારીઓને બદલી અને બઢતી પણ ભવિષ્યમાં નહી મળે.બેંક મેનેજમેન્ટના નિર્ણયની સામે દેશની દરેક ઝોનલ કચેરી સમક્ષ ૪ કર્મચારી સંગઠનના બનેલા યુએફબીયુના આદેશ અનુસાર ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે અને આગામી તા.૩૦ મી મેના રોજ દેશવ્યાપી હડતાલની પૂર્વ તૈયારી શરૃ કરવામાં આવી છે.