સુરત : લિંબાયત પોલીસે જપ્ત કરેલા વાહન મુકવાના ગોડાઉનમાં આજે સવારે આગ ભડકી ઉઠી હતી.જોકે આગની ઝપેટમાં 15 થી 20 બાઈક આવી જતા ત્યાં અફડાતફડી મચી ગઈ હતી.
ફાયર વિભાગના સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ લિંબાયત પોલીસ મથકના પોલીસે જુદા જુદા ગુના હેઠળ વાહનો જપ્ત કરી લિંબાયતના દુભાલ ખાતે નારાયણનગર નજીક આવેલા ગોડાઉનમાં વાહનો મુકવા આવે છે.જોકે તે ગોડાઉનમાં આજે સવારે અચાનક આગ ભડકી ઉઠી હતી તેથી ત્યાં ભાગદોડ થઇ જવા પામી હતી.જોકે ત્યાં હાજર અને સ્થાનિક લોકો ત્યાં ટેમ્પો,ક્રેઇન સહિતના વાહનો દુર લઇ ગયા હતા.આ અંગે ફાયર બિગ્રેડને જાણ થતા ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને થોડા સમયમાં આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.ત્યાં સળગતા કચરાના લીધે કે અન્ય કોઇ કારણસર આગ લાગવાની શક્યતા છે.આગને લીધે 15 થી 20 બાઈક લપેટમાં આવતા બળી ગઈ હતી.જેમાં કેટલીક બાઇક ભંગાર હાલતમાં પડેલી હતી.જયારે 5 થી 7 જેટલી બાઇક બચાવી લીધી હતી.આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ ન હોવાનું ફાયર ઓફિસ મનોજ શુકલાએ કહ્યુ હતુ.