મુંબઈ : ઈલેક્ટ્રિક બાઈકમાં વિસ્ફોટ થવાના અને આગ લાગવાના વધતા બનાવો વચ્ચે પરિવહન કમિશનરે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસો (આરટીઓ)ને આવા વાહનો માટે વધુ વોલ્ટેજની બેટરીઓ વેંચતા ઉત્પાદકો ઉપર દેખરેખ રાખવાની અને જરૃર પડે તો કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યના પરિવહન કમિશનર અવિનાશ ઢાકનેએ તમામ આરટીઓને ફેરફાર માટે ઈ-બાઈક ઉત્પાદકો સામે પોલીસ પાસે થતી ફરિયાદો નોંધવાનો આદેશ આપ્યો છે.આવા વાહનોનું નિરીક્ષણ કરવા એક વિશેષ અભિયાન શરૃ કરવામાં આવ્યું છે.સેન્ટ્રલ વેહિકલ્સ નિયમો મુજબ ૨૫૦ વોટ્સથી ઓછી ક્ષમતાની બેટરી અને ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ધરાવતી ઈ-બાઈક રજિસ્ટ્રેશન અને વેહિકલ ટેક્સમાંથી બાકાત રાખવામાં આવી છે.જો કે આવા વાહનોએ સરકાર માન્ય અમુક સંસ્થાઓ પાસેથી પ્રમાણપત્ર મેળવવું જરૃરી છે.
પરિવહન કમિશનરના કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે કેટલાક વાહન ઉત્પાદકો અધિકૃત સંસ્થા પાસેથી પ્રમાણપત્ર મેળવ્યા વિના ઈ-બાઈક વેંચી રહ્યા હોવાનું જાણવામાં આવ્યું છે.ઉપરાંત આવી ઈ-બાઈકમાં ગેકાયદે ફેરફાર કરાયા પછી તેની બેટરીની ક્ષમતા ૨૫૦ વોટ્સથી વધુ થઈ જાય છે.આવા વાહનો નિયમબાહ્ય રીતે વેંચાય તો માર્ગ સુરક્ષા સામે મોટુ જોખમ ઊભુ થઈ શકે છે. ઉપરાંત ઈ-બાઈક્સમાં આગ લાગવાના બનાવોમાં પણ વધારો થયો છે.ઉલ્લેખનીય છે કે ઉત્પાદકો બાઈકની ઝડપ વધારવા વધુ ક્ષમતાની બેટરી બનાવે છે.પરિવહન નિષ્ણાંતોના મતે ઈલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનમાં વધારો થતા ઈ-બાઈકના નાના ઉત્પાદકો દ્વારા કરાતી સુધારણા પર નજર રાખવી જોઈએ.શરૃઆતમાં ઈ-વાહનોની સંખ્યા મર્યાદિત હતી,પણ હવે તેમાં ઝડપથી વધારો થયો છે અને તે દૈનિક જીવનનો હિસ્સો બની રહ્યા છે. આવા વાહનોનું રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેશન ફરજિયાત કરવું જોઈએ.ઉપરાંત વાહનોમાં કરાતા સુધારણાને કારણે તેમાં આગ લાગવાના બનાવ વધી રહ્યા છે જે માર્ગ સુરક્ષા સામે મોટુ જોખમ ઊભુ કરી રહ્યા છે. આથી ઈ-બાઈકના નાના ઉત્પાદકો પર દેખરેખ ખૂબ જ મહત્વની છે એવી સલાહ નિષ્ણાંતોએ પ્રશાસનને આપી છે.