બારડોલી : બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના બાબેન ગામની દ્વારિકા સોસાયટી નજીક હેલ્પ ટુ અધર્સ નામની વેબસાઈટમાં પૈસા રોકાવનાર યુવકને રોકાણ કરનાર બે ભાઈઓએ પૈસા પરત માંગી માર મારી યુવકની નાકની હાડકીમાં ફ્રેક્ચર કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.બારડોલી તાલુકાના બાબેન ગામે આવેલ દ્વારિકા રેસિડેન્સીમાં રહેતો અંકિત ભરત પટેલ બારડોલીના સ્ટેશન વિસ્તારમાં મોદી કેર નામથી દુકાન ચલાવે છે.
2021ના વર્ષમાં બારડોલીના અંકિત નિલેશ નાયકે હેલ્પ ટુ અધર્સ નામની વેબસાઈટ બનાવી તેના મારફતે અલગ અલગ પેકેજના આઈ.ડી.બનાવી દસ દિવસમાં રૂપિયા ડબલ કરી આપવાની સ્કીમ ચાલુ કરી હતી.જેમાં અંકિતે પણ રોકાણ કર્યું હતું.દરમ્યાન અંકિતના મિત્ર જય પટેલ(રહે ગાંગપુર,તા.પલસાણા)મારફતે ઉમરાખના હર્ષદ જીવરાજ પટેલ અંકિતની દુકાને આવ્યા હતા અને તેણે સ્કીમ સમજાતા તેણે હર્ષદભાઈના નામની 16 હજારની એક એવી 1.60 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.પરંતુ ઓક્ટોબર 2021માં હેલ્પ ટૂ અધર્સ વેબસાઈટ બંધ જતા રોકાણકારોના રૂપિયા ડૂબી ગયા હતા.આ બાબતે અંકિત નાયક વિરુદ્ધ બારડોલી પોલીસમાં ફરિયાદ પણ થઈ હતી.દરમ્યાન ગત 25મી માર્ચના રોજ હર્ષદ તથા તેના ભાઈ મહિપતભાઈએ પૈસાની ઉઘરાણી માટે અંકિત પટેલને બોલાવતા અંકિતે તેમને સોસાયટીના ગેટ પાસે આવવા કહ્યું હતું.આથી બંને ભાઈએ ગેટ પર આવ્યા હતા અને બાકી 60 હજાર રૂપિયાની ઉઘરાણી શરૂ કરી તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.બાદમાં બંને ભાઈઓએ ઉશ્કેરાય જઈ અંકિત પટેલને ઢીકમુક્કીનો માર મારતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વધુ મારમાંથી બચાવ્યો હતો.અંકિતને નાકમાં ઇજા થતાં સારવાર અર્થે બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં નાકની હાડકીમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું છે.અંકિત સારવાર કરાવી સ્વસ્થ થતા બે મહિના બાદ શનિવારે બારડોલી ટાઉન પોલીસને લેખિત ફરિયાદ કરી હતી.પોલીસે મહિપત અને હર્ષદ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.