બારડોલીથી કેદારનાથની યાત્રાએ ગયેલા 84 યાત્રીઓને ટ્રાવેલ્સ સંચાલકે અધવચ્ચે દગો દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

296

બારડોલી : બારડોલીથી કેદારનાથની યાત્રાએ ગયેલા 84 યાત્રીઓને ટ્રાવેલ્સ સંચાલકે અધવચ્ચે દગો દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.ટ્રાવેલ્સ સંચાલકે 13.21 લાખ રૂપિયામાં સમગ્ર પ્રવાસ નક્કી થયા બાદ યાત્રીઓએ કુલ 11.45 લાખ ચૂકવી દીધા હતા.પરંતુ ટ્રાવેલ સંચાલકે કેદારનાથ જવાની પરવાનગી લીધી ન હોય તમામ યાત્રીઓ ત્યાં જ ફસાઈ ગયા હતા અને ટ્રાવેલ સંચાલક યાત્રીઓને મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો.પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણતા જ યાત્રાથી પરત ફર્યા બાદ પ્રવાસીઓએ રવિવારના રોજ બારડોલી ટાઉન પોલીસ મથકમાં લેખિત ટ્રાવેલ સંચાલક વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુટવાડા ગામે ટેકરા ફળીયામાં રહેતા ભાવિન રાહુલ પટેલે(બેકપેકર્સ સોશિયલ)કેદારનાથ પ્રવાસનું આયોજન કર્યું હતું.જેમાં બારડોલીના હાર્દિપ જયેશ પટેલ,દીપિકા પ્રકાશસિંહ ડાભી,સુધીર વિક્રમ વ્યાસ,કૈલાશ વસંત પાટીલ,ડેનિશ હેમંત ઉપાધ્યાય સહિત 84 જણાના ગ્રુપે આ પ્રવાસમાં જવાનું નક્કી કર્યું હતું.આ માટે આયોજક ભાવિન પટેલ દ્વારા વ્યક્તિ દીઠ ટ્રેન મારફતે 15 હજાર 500,પ્લેન મારફતે 19 હજાર અને છેલ્લા આવેલા ચાર જણા પાસે 24 હજાર રૂપિયા મળી કુલ 13.21 લાખ રુપિયા નક્કી કર્યા હતા.જે પૈકી દિલ્હી પહોંચવા પહેલા 10.13 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા.અને દિલ્હી પહોંચ્યા બાદ 1.32 લાખ રૂપિયા મળી કુલ 11.45 લાખ રૂપિયા આયોજકને પ્રવાસના ભાડા પેટે ચૂકવ્યા હતા.દરમ્યાન 15મી મેના રોજ પ્રવાસીઓનું ગ્રુપ દિલ્હીથી ટેમ્પો ટ્રાવેલમાં હરિદ્વાર અને ત્યાંથી ઋષિકેશ પહોંચ્યા હતા.ઋષિકેશ પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે આયોજક દ્વારા કેદારનાથની યાત્રા માટે સરકારની પરવાનગી લેવામાં આવી નથી.આથી ત્યાં જ આયોજક અને પ્રવાસીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.અને રિફંડની માગ કરતા આયોજકે રિફંડ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.દરમ્યાન પ્રવાસીઓએ આયોજકે કરેલા બુકીંગ મુજબ કેદારનાથ જવા માટે નક્કી કર્યું હતું પરંતુ જે બુકીંગ થયું હતું તે ટેમ્પો ચાલકે પણ ના પાડી દેતાં સ્વ ખર્ચે ઋષિકેશમાં રાત્રી રોકાણ કરવાની ફરજ પડી હતી.દરમ્યાન બીજા દિવસે ઋષિકેશથી ગુપ્તકાશી જવા રવાના થયા હતા ત્યાં પણ સ્વ ખર્ચે રોકાણ કરવાની ફરજ પડી હતી.ત્યાંથી ડ્રાઇવરે કેદારનાથ જવાની ના કહેતા ફરી પ્રવાસીઓએ ભાડું ખર્ચવું પડ્યું હતું.આયોજક દ્વારા કેદારનાથમાં હેલિકોપ્ટરથી જવા માંગતા 7 પ્રવાસીઓનું પણ બુકીંગ કર્યું ન હતું.દરમ્યાન કેદારનાથ જવાના ટ્રેક પર માટી ધસી પડતા રસ્તો બંધ થઈ ગયો હતો આથી પ્રવાસીઓ પરત ફર્યા હતા.એટલું જ નહીં જે હોટેલમાં રોકાયેલા તે હોટેલનું ભાડું રૂ.1.66 લાખ રૂપિયા પ્રવાસીઓએ ચૂકવવું પડ્યું હતું.આમ પ્રવાસીઓએ 5.32 લાખનો ખર્ચ કરવો પડ્યો હતો.બારડોલી પહોંચ્યા બાદ તમામ પ્રવાસીઓએ રવિવારના રોજ પ્રવાસના આયોજક વિરુદ્ધ ટાઉન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી 50 ટકા રિફંડ અને પ્રવાસ દરમ્યાન થેયલ ખર્ચ પરત આપવાની માગ કરી હતી.

Share Now