નવી િદલ્હી : વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ ભારતમાં કોરોના મહામારીને અંકુશમાં લેવા માટે અથાક પ્રયાસો કરવા બાદ દેશની 10 લાખ મહિલા આશા વર્કર્સનું સન્માન કર્યું છે.ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંબંધિત સુવિધા પૂરી પાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરવા બદલ આશા વર્કર્સનું આ બહુમાન થયું છે.આશા વર્કરોએ કોરોના મહામારી ટોચ પર હતી ત્યારે કોરોના દર્દીઓને ટ્રેસ કરવા ઘર-ઘર જઈને ચેકિંગ કરવાની કામગીરી કરી હતી અને તેમની કામગીરીની દેશભરમાં પ્રશંસા થઈ હતી.WHOના મહામંત્રી ડો.ટેડ્રોસ એન ગેબ્રેયેસસે વિશ્વ આરોગ્ય માટે અસાધારણ ભૂમિકા,નેતૃત્વ અને પ્રાદેશ આરોગ્ય મુદ્દા પ્રત્યે પ્રતિબદ્ધતા માટે રવિવારે છ એવોર્ડની જાહેરાત કરી હતી.ડો.ટ્રેડોસ વિશ્વ આરોગ્ય સંસ્થાના મહામંત્રીના ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડના વિજેતા અંગે નિર્ણય કરે છે.આ એવોર્ડ્સની સ્થાપના 2019માં થઈ હતી.
WHOએ જણાવ્યું હતું કે એવોર્ડ વિજેતામાં આશા વર્કર્સનો સમાવેશ થાય છે.ભારતની 10 લાખથી વધુ મહિલા સ્વયંસેવકોનુ સમુદાયનું આરોગ્ય સિસ્ટમ સાથે જોડાણ કરવામાં મહત્ત્વની ભૂમિકા માટે સન્માન કરવામાં આવ્યું છે.કોરોના મહામારીના સમગ્ર સમયગાળા દરમિયાન આશા વર્કર્સે ગ્રામીણ ગરીબોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે સુનિશ્ચિત કર્યું હતું.આશા વર્કરોએ બાળકોના રસીકરણ,કમ્યુનિટી હેલ્થકેર,હાઇપરટેન્શન અને ટીબીની સારવાર તથા પોષણ,સ્વચ્છતા અને આરોગ્યપ્રદ જીવન માટે પણ કામગીરી કરી છે.WHOના વડાએ જણાવ્યું હતું કે વિશ્વ સંઘર્ષ,ફૂડ ક્રાઇસિસ,ક્લાઇમેટ ચેન્જ અને મહામારી જેવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે આ એવોર્ડ વિશ્વભમાં આરોગ્યની સુરક્ષા માટે અસાધારણ યોગદાન આપનારા લોકોનું બહુમાન કરે છે.