મુંબઈ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગઈ કાલે પુણેના ગણેશ કલા ક્રીડા મંચ સભાગૃહમાં આયોજિત સભામાં અયોધ્યા મુલાકાત બાબતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે,શરદ પવાર અને એમઆઇએમ પર જોરદાર પ્રહારો કર્યા હતા.તેમણે કહ્યું હતું કે‘મારે ઉત્તર ભારતીયોની માફી માગવી જોઈએ એ આ લોકોને ૧૨-૧૪ વર્ષ બાદ યાદ આવ્યું છે.માફી માગવાની વાત હોય ત્યારે ગુજરાતમાં અલ્પેશ ઠાકોર નામના નેતાએ ઉત્તર પ્રદેશ-બિહારના લોકોને ગુજરાતમાંથી હાંકી કાઢ્યા હતા તેઓ મુંબઈ આવ્યા હતા.તેઓ મુંબઈ થઈને તેમના વતન ગયા હતા.ગુજરાતમાં કોણ માફી માગશે?આ લોકોનું રાજકારણ સમજવાની જરૂર છે.’અયોધ્યાની મુલાકાતમાં એમએનએસના કાર્યકરોને અટકાવવાનું કાવતરું મહારાષ્ટ્રમાં ઘડાયું હોવાની માહિતી મળ્યા બાદ પોતે આ મુલાકાત રદ કરી હોવાનું રાજ ઠાકરેએ
કહ્યું હતું.અયોધ્યા કે ઉત્તર પ્રદેશમાં કંઈ થાત તો મોટી સંખ્યામાં કાર્યકરો કાયદાની ચુંગાલમાં ફસાઈ જાત,જેને લીધે મહારાષ્ટ્રની વિવિધ ચૂંટણીમાં પક્ષને મુશ્કેલી થવાની શક્યતા ઊભી થાત એમ તેમણે વધુમાં કહ્યું હતું.રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લેતાં કહ્યું હતું કે‘મુંબઈમાં મુખ્ય પ્રધાનની સભા થઈ.શું બાળકો જેવું ચાલી રહ્યું છે એ મને નથી સમજાતું.અમારું હિન્દુત્વ સાચું,તેમનું ખોટું.તમે શું વૉશિંગ પાઉડર વેચો છો?તમારું શર્ટ મારા શર્ટથી સફેદ કેમ?સવાલ હિન્દુત્વ અને મરાઠીઓને રિઝલ્ટ આપવાનો છે જે અમે આપીએ છીએ.ઔરંગાબાદનું નામ સંભાજીનગર કરવા સામે મુખ્ય પ્રધાન કહે છે કે મેં કહ્યું એટલે સંભાજીનગર થઈ ગયું.તું શું વલ્લભભાઈ પટેલ કે મહાત્મા ગાંધી છો? હિન્દુ-મુસ્લિમોના મત મેળવવા માટે તમે આ મુદ્દાને વર્ષોથી સળગતો રાખી રહ્યા છો.વર્ષોથી કેન્દ્ર સરકારમાં તમે સહભાગી હતા ત્યારે સંભાજીનગર કેમ ન કરાવ્યું? સંભાજીનગર અને જાલના સહિત અનેક જગ્યાએ ૧૦ દિવસે લોકોને પાણી મળે છે.લોકોની હાલતની તમને કંઈ પડી નથી.’
રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાનને તુંકારે બોલાવ્યા હોવાથી એને લઈને શિવસૈનિકો નારાજ થઈ ગયા છે.એટલું જ નહીં,ઘણા લોકોએ સોશ્યલ મિડિયા પર તેમને ટ્રોલ પણ કર્યા છે.