કપાસ, રૂ અને યાર્નના ઊંચા ભાવ, દક્ષિણ ભારતની મિલો ખરીદી નહિ કરે

284

નવી દિલ્હી : તા.22 મે 2022,રવિવાર : દક્ષિણના સ્પિનર્સ એસોસિએશનના કહેવા પ્રમાણે તેમની નાના પાયાની મિલોએ કપાસના ભાવમાં અભૂતપૂર્વ વધારાના પગલે ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
દક્ષિણ ભારત સ્પિનર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે,આ વર્ષે ઉત્પાદન ઓછું થયું હોવાના કારણે કપાસનો કેન્ડિ દીઠ ભાવ છેલ્લા 5 મહિનામાં 53 ટકા જેટલો વધીને 1.15 લાખ રૂપિયાએ પહોંચી ગયો છે.
ઉપરાંત આ સમય દરમિયાન યાર્નની કિંમતોમાં ઘણો ઓછો વધારો થયો છે.જાન્યુઆરીમાં યાર્નની કિંમત પ્રતિ કિલોએ 328 રૂપિયા થઈ જે મે 2021માં 399 રૂપિયા હતી.જે સેલ્વને જણાવ્યું કે,યાર્નના કારણે મિલોને પ્રતિ કિલોએ 50-60 રૂપિયાની ખોટ જાય છે.વધુમાં જણાવ્યું કે,દેશની કપાસની ઉપજ અંગેના ચોક્કસ ડેટાની અનુપસ્થિતિના કારણે મોટા વેપારીઓ અને મલ્ટિનેશનલ કંપનીઓએ કપાસની સિઝનની શરૂઆતમાં જ કાચા માલની મોટા પાયે ખરીદી કરીને તેનો સંગ્રહ કર્યો હતો.સેલ્વનના કહેવા પ્રમાણે અમુક જથ્થાની નિકાસ કરવામાં આવી છે તેમ છતાં કપાસના ભાવમાં જે તીવ્ર વધારો જોવા મળ્યો તેના લીધે દક્ષિણ ભારત સ્પિનર્સ એસોસિએશન સદસ્યો વર્કિંગ કેપિટલની અછતના કારણે ખરીદી નથી કરી શકતા.

ટેક્સટાઈલ મંત્રી પીયૂષ ગોયલે માત્ર સરપ્લસ કોટનની નિકાસ કરવા વિનંતી કરી છે તેમ છતાં આ સ્થિતિ છે.કપાસની કિંમતોમાં એક વર્ષ દરમિયાન બમણાથી પણ વધુનો વધારો થયો હોવાના કારણે ગારમેન્ટ ઈન્ડસ્ટ્રી ઈચ્છે છે કે,કપાસ અને યાર્નની નિકાસ પર ટૂંકા ગાળાનો પ્રતિબંધ મુકવામાં આવે.ઉપરાંત કપાસને આવશ્યક ચીજ-વસ્તુ જાહેર કરવામાં આવે અને કોમોડિટી એક્સચેન્જીસ પરના ટ્રેડિંગમાંથી તેને દૂર કરવામાં આવે.

Share Now