મુંબઈ : કભી ઈદ કભીદિવાલી ફિલ્મ કોઈ ખરાબ ચોઘડિયાંમાં ચાલુ થઈ હોય તેમ એમાં એક પછી એક મુશ્કેલીઓ આવ્યા જ કરે છે.ડાયરેક્ટર ફરહાદ સામજીનું કામ સંતોષકારકર નહીં જણાતાં ૧૦ જ ટકા ફિલ્મ બાદ હવે તેના માટે સેટ પર નો એન્ટ્રી થઈ ગઈ છે.તેને બદલે ખુદ સલમાન ખાને ઘોસ્ટ ડાયરેક્ટર તરીકે ફિલ્મનું દિગ્દર્શન સંભાળી લીધું છે.મૂળ આ ફિલ્મ સાજીદ નડિયાદવાલાએ શરુ કરી હતી. બાદમાં તેના પ્રોડક્શનની જવાબદારી સલમાને સંભાળી લીધી હતી.હાઉસફૂલ ૪ અને બચ્ચન પાંડેના ડાયરેક્ટર ફરહાદ સામજીને જવાબદારી સોંપાઈ હતી.જોકે,ફરહાદ સામજીની બચ્ચને પાંડેનો જે ધબડકો વળ્યો તે પછી સલમાનને ચિંતા પેઠી હતી.અત્યાર સુધી ૧૦ ટકા ફિલ્મનું શૂટિંગ થયું છે.તેના કેટલાક હિસ્સાને જોતાં સલમાનને લાગ્યું હતું કે ફરહાદના દિગ્દર્શનમાં કોઈ ભલીવાર નથી.ત્યાર બાદ ફરહાદે સેટ પર આવવાનું બંધ કર્યું છે.સલમાન ખુદ આસિસ્ટન્ટ ડાયરેક્ટર્સને સૂચના આપી ફિલ્મનું ગાડું ગબડાવે છે.
ફિલ્મની સ્ટારકાસ્ટમાં પણ વારંવાર ફેરફાર થયા કરે છે.છેલ્લા અહેવાલો અનુસાર ખુદ સલમાન ખાનના બનેવી આયુષ શર્માએ પણ આ ફિલ્મ છોડી દીધી છે.આ તમામ ફેરફારોને પગલે ફિલ્મનું શૂટિંગ પણ લડખડાતું ચાલે છે અને તે તેના નિર્ધારિત શિડયૂલ કરતાં મોડી પૂર્ણ થાય તેવી શક્યતા છે.