ટોક્યો : તા.23 મે 2022,સોમવાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી Quad શિખર સંમેલનમાં સહભાગી બનવા માટે જાપાનના પ્રવાસે છે.આ દરમિયાન તેમણે જાપાનના અનેક ટોચના બિઝનેસમેનની પણ મુલાકાત લીધી હતી.વડાપ્રધાન મોદીએ જાપાનીઝ કંપનીઓને ભારતમાં રોકાણની તક શોધવા માટે પણ વિનંતી કરી હતી.આ મીટિંગ દરમિયાન સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેને વડાપ્રધાન મોદીની કામગીરીની ભારે પ્રશંસા કરી હતી.સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન અને પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકીએ જણાવ્યું કે,વડાપ્રધાન મોદી જે સુધારા કરી રહ્યા છે તે ભારતને મોડર્ન લેન્ડસ્કેપમાં બદલી રહ્યા છે.તેમણે જણાવ્યું કે, જાપાનીઝ કંપનીઓ વડાપ્રધાન મોદીની આત્મનિર્ભરતાની મુહિમને સપોર્ટ કરી રહી છે.વડાપ્રધાન મોદીએ તોશિહિરો સુઝુકી ઉપરાંત સુઝુકી મોટર કોર્પોરેશનના સીનિયર એડવાઈઝર ઓસામુ સુઝુકી,સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડ ડાયરેક્ટર માસાયોશી સોન અને યૂનિક્લોના પ્રેસિડેન્ટ અને સીઈઓ તાદાશિ યાનાઈની પણ મુલાકાત લીધી હતી.સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડ ડાયરેક્ટર માસાયોશી સોને પણ વડાપ્રધાન મોદી અને ભારતની ખૂબ જ પ્રશંસા કરી હતી.તેમણે જણાવ્યું કે,ભારત ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.ભારતમાં દરરોજ નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે અને નવા યુનિકોર્ન તૈયાર થઈ રહ્યા છે.મને લાગે છે કે,ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે.વડાપ્રધાન મોદી ભારતની સફળતા માટે પ્રતિબદ્ધ છે.તેઓ સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નને સપોર્ટ કરી રહ્યા છે.આ સાથે જ તેઓ ભારતને વિશ્વભરમાં ટેક સેન્ટર બનાવી રહ્યા છે.