સુરત : અનવર નગર વસાહત ડિમોલિશનની કામગીરી આડે અવરોધ દુર થયો

220

સુરત : તા.24 મે 2022,મંગળવાર : સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં પાલિકાએ ભુતકાળમાં વિકસાવેલી અનવર નગર ઝૂંપડપટ્ટીમાં હવે લાઈનદોરી મુકવામાં આવી છે.આ લાઇન દોરીનો અમલ કરવા માટે લિંબાયત ઝોને લાઈન દોરીના અમલ માટે નોટિસ આપતા વિવાદ ઉભો થયો હતો.ડિમોલીશન પહેલાં અસરગ્રસ્તોએ ધરણા કર્યા હતા.વિરોધ જોતાં ડિમોલિશનની કામગીરી અટકે તેમ હોવાથી પાલિકાએ અસરગ્રસ્તોને વિવિધ યોજના હેઠળ આવાસ આપવાની બાંહેધરી આપી હતી.આ બાંહેધરી બાદ આજે સવારથી અસરગ્રસ્તોના સહકારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરતના રીંગરોડને સાકાર કરવા માટે 1984-85માં રિંગ રોડ અને સિવિલ 4 રસ્તાથી પાંડેસરા-બમરોલી રોડના વિકાસ અર્થે સુરત મહાનગરપાલિકાએ અસરગ્રસ્ત પરિવારને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થાના ભાગરૂપે રિંગ રોડથી સ્થળાંતર કરીને ટી.પી.7(આંજણા),ફા.પ્લોટ નં.117 પર 10×12 નાં પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી.આ વસાહત ત્યારબાદ અનવર નગરના નામે ઓળખાતી હતી.ત્યાર બાદ હવે શહેરના વિકાસ થતાં આ ઝુંપડપટ્ટી વિકાસને અવરોધ રૂપ ગણીને ઝુંપડપટ્ટીને દુર કરી રસ્તો બનાવવા માટે પાલિકાએ નોટિસ આપી હતી.

Share Now