ઈરાનના ટોચના કમાન્ડર કર્નલ સૈયદની હત્યા, ઈઝરાયેલના જાસૂસોની ધરપકડ

277

તહેરાન : ઈરાનની સૈન્યમાં ટોચના કમાન્ડર કર્નલ સૈયદ ખોદાઈની હત્યા થઈ ગઈ હતી.એ હત્યામાં ઈઝરાયેલનો હાથ હોવાની શક્યતા હોવાથી ઈઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદના જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે.૨૦૨૦માં કાસિમ સુલેમાનીની હત્યા થઈ તે પછી ત્રણ વર્ષમાં આ બીજા ઈરાની લશ્કરી અધિકારીની હત્યા થઈ છે.ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડ્સના કમાન્ડર કર્નલ સૈયદ ખોદાઈની પાટનગર તહેરાનમાં જ હત્યા કરી દેવામાં આવી હતી.કર્નલ સૈયદ કારમાં જતા હતા ત્યારે બાઈકમાં આવેલા અજાણ્યા હુમલાખોરોએ રસ્તો રોક્યો હતો અને અધવચ્ચે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.ફાયરિંગની ઘટના પછી તુરંત તહેરાનમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી અને ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.આ હત્યા પછી સરકારે તપાસના આદેશ છોડયા હતા.જેમાં ઈઝરાયેલના જાસૂસોની ધરપકડ કરવામાં આવી હતી. ઈઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદે આ હત્યા કરી હોવાની પૂરી શક્યતા છે.ઈરાનની સરકારે સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે મોસાદના કેટલાય એજન્ટોને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે.કર્નલ સૈયદ ખોદાઈ ઈરાની સૈન્યના ખૂબ જ મહત્વના અધિકારી ગણાતા હતા.તેને ઈરાનના રક્ષકો પૈકીના એક ગણવામાં આવતા હતા.અગાઉ ૨૦૨૦માં કાસિમ સુલેમાની નામના ટોચના લશ્કરી અધિકારીની હત્યા થઈ હતી. ત્રણ વર્ષમાં બે ટોચના અધિકારીઓની હત્યા થઈ ગઈ એ બાબતે ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રાયસીએ કહ્યું હતું કે આ હત્યાનો બદલો જરૂર લેવાશે.જેે ગુનેગારો છે તેને આકરી સજા આપવામાં આવશે.કર્નલ સૈયદની કૂરબાની રિવોલ્યૂશનરી ગાર્ડના દૃઢ સંકલ્પને વધારે મજબૂત બનાવશે અને હત્યારાઓને પકડીને તેનો પણ એવો જ અંજામ કરાશે.ઈરાને આ હત્યાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું અને વૈશ્વિક અહંકાર ધરાવતા દેશોની આમાં સંડોવણી હોવાનું કહીને ઈઝરાયેલ તરફ ઈશારો કર્યો હતો.૨૦૧૦થી ઈરાનના છ ટોચના વિજ્ઞાાનિકો પણ એક યા બીજા કારણોથી માર્યા ગયા છે.એની પાછળ પણ ઈઝરાયેલની જાસૂસી એજન્સીનો હાથ હોવાનો દાવો ઈરાન કરે છે.ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા અધિકારીઓ છ ભેદી સંજોગોમાં છેલ્લાં ૧૨ વર્ષ દરમિયાન માર્યા ગયા છે.

Share Now