‘ન્યાયના પવિત્ર, વિશુદ્ધ ધારા પ્રવાહને પ્રદૂષિત કરી શકાય નહીં’

155

અમદાવાદ : લાખો રૂપિયાની નાણાકીય ઉચાપત કરીને છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો કરનારા વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા આરોપીને જામીન આપવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો છે.હાઇકોર્ટના જસ્ટિસ નિરલ આર.મહેતાએ આરોપી વકીલની જામીન અરજી રદ કરતાં એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે,‘અરજદાર વકીલાતના વ્યવસાયમાં છે અને અનેકવાર ગંભીર પ્રકારના ગુનામાં તેની સંડોવણી રહી હોવાની બાબત શરમજનક છે.વકીલાતનો વ્યવયાસ પવિત્ર વ્યવસાય છે અને તેનો સીધો સબંધ ન્યાયના પવિત્ર-વિશુદ્ધ ધારાપ્રવાહ સાથે છે.જેને કોઇ પણ ભોગે પ્રદૂષિત થવા દેવાય નહીં.એક નહીં પરંતુ ભૂતકાળમાં અનેકવાર ગંભીર ગુનામાં અરજદાર વકીલની સંડોવણી કોઇ પણ રીતે ચલાવી લેવાય તેવી જણાતી નથી.’

જસ્ટિસ નિરલ મહેતાએ આદેશમાં એમ પણ નોંધ્યું છે કે,‘અરજદાર આરોપી વકીલ સામેના અનેક ગુનામાં સમાધાન થઇ ગયું છે પરંતુ ગુનો કર્યો હતો અને એ તથ્ય નિર્વિવાદ રહે છે.અરજદારની આ વર્તણુક વકીલાતના વ્યવસાયના ધારાધોરણો મુજબના જણાતા નથી.પ્રસ્તુત કેસમાં જમીનના વેચાણના બદલે અરજદારને લાખો રૂપિયા રોકડ અને ચેક મારફતે મળ્યા હતા તેમ છતાંય તેણે વેચાણ કરાર કર્યો નહોતો અને લાખો રૂપિયા લઇને ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યો હતો.તેથી પ્રથમદર્શી રીતે આરોપી વકીલ વિરૂદ્ધ ધારા ૪૨૦ અને ૪૦૬ હેઠળનો ગુનો બને છે.’આદેશમાં વધુમાં ઠરાવવામાં આવ્યું છે કે,‘આ કેસનો ગુનો અત્યંત ગંભીર પ્રકારનો જણાય છે અને કેમ કે અરજદાર વકીલ છે અને તેથી તે ન્યાયની પ્રક્રિયાથી ભાગી શકવાની શક્યતા છે.અગાઉ પણ એ ત્રણ વર્ષ સુધી ભાગેડૂ રહ્યો છે.તેના હોદ્દા અને સ્ટેટસનો દુરુપયોગ કરીને તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.તેથી કોર્ટનો મત છે કે અરજદાર આરોપી પ્રત્યે કોઇ પણ પ્રકારની સહાનુભૂતિ ન દર્શાવાય અને એક વકીલ હોવા છતાંય ગુનાઇત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાથી તેને જામીન આપી શકાય નહીં.’

Share Now