ગ્રેમાં નુક્સાન પરવડે તેમ ન હોવાથી વિવર્સે એકમો બંધ કરવાનું શરૃ કર્યું

120

સુરત : વિવિંગ ઉદ્યોગનો કપરો કાળ એકાદ વર્ષથી ચાલી રહ્યો છે.અત્યારે સ્થિતિ એ છે કે,નુકસાનીને કારણે ગ્રેનું ઉત્પાદન પરવડી શકે એમ જ નથી,તેથી સ્વૈચ્છિક રીતે એકમો બંધ કરવાનું શરૃ થઈ ગયું છે. છેલ્લાં બે દસકામાં આટલી ખરાબ પરિસ્થિતિ કોઇએ અનુભવી નથી.ઉન અને ભેસ્તાન વિસ્તારમાંની આઠેક જેટલી ઔદ્યોગિક વસાહતોમાંથી ઘણી ફેક્ટરીઓને તાળાં મારી દેવાયાં છે.એકલાં ઉન વિસ્તારમાં જ 500થી વધુ ગાળાઓ છે,તેમાંથી 30-35 કારખાનાઓ બંધ છે,જ્યારે 65-70 ટકા એકમોમાંથી 40 એકમો માત્ર 1 પાળી ચાલી રહ્યાં છે,જ્યારે બાકીના એકમો અઠવાડિયામાં 2-3 રજાનો અમલ કરી રહ્યાં છે.
કપડાની કોઈ માંગ નથી એટલે મિટરે એ 50 પૈસાથી લઇને રુ.1.50 પૈસાનું નુકસાન થઈ રહ્યું હોવાથી,કારખાનેદારોએ ગ્રેનું ઉત્પાદન ધીરે ધીરે ઓછું કરી દીધું છે.આમતો,છેલ્લાં 7-8 મહિનાથી કારખાનેદારો 50 થી 90 પૈસાનું નુકસાન કરી રહ્યાં હતાં.હવે નુકસાની વધી છે,તેથી એકમો બંધ કરવાનો નિર્ણય ઘણાંએ લીધો છે.એમ વિવર સાદીક કાપડિયાએ કહ્યું હતું.

ઊન અને ભેસ્તાન વિસ્તારના કારખાનેદારો દાણી,પૂનમ,ટર્કી,60 ગ્રામ,ચીનોન,પ્યોર રેશમ,તથા વિસ્કોસ અને નાયલોનની ગ્રેની રનીગ ક્વોલિટીઓ બનાવે છે.દિવાળી પછી રમજાન સુધી ઉત્પાદન ચાલુ રાખીને જેમતેમ ગાડું ગવડાવ્યું હતું.પરંતુ નુકસાની સતત વધી ગઈ હોવાથી ઉત્પાદન બંધ કરી દીધું છે.યાર્નના સતત વધતા ભાવ અને માર્કેટમાં માંગ નહીં હોવાથી,કારખાનેદારો પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. માર્ચ 2020માં ક્રિમ્પ યાર્નના ભાવ કિલોએ રુ.85 હતાં,એક-દોઢ વર્ષમાં રુ.150થી ઉપર ગયાં હતાં.જોકે,અત્યારે રુ.144 થયાં છે.પણ કિલોદીઠ રુ.20-25નો વધારો સ્પીનર્સ ખોટી રીતે કરી ગયાં છે,એવો સૂર છે.

Share Now