સુરત : તા.25 મે 2022,બુધવાર : સુરત મ્યુનિ.ના ઉધના ઝોનમાં પાલિકાના અનામત પ્લોટ પર બની રહેલા મંદિરનું લોકોના વિરોધ વચ્ચે પોલીસની મદદથી મંદિરનું ડિમોલીશન કરી દેવામા આવ્યુ હતું. પરંતુ વરાછા ઝોનમાં પાલિકાના અનામત પ્લોટમાં ગરીબ આવાસ માટેના અનામત પ્લોટ પર ગેરકાયદે પે એન્ડ પાર્ક છેલ્લા ઘણા વર્ષોથી ચલાવવામાં આવી રહ્યું છે તેનો કબ્જો લેવામાં આવ્યો નથી.
સુરત મ્યુનિ.ના અનામત પ્લોટ પરથી દબાણ દુર કરવામાં પાલિકાની બેવડી નીતિ બહાર આવી છે.જેના કારણે પાલિકાના પે એન્ડ પાર્ક ચલાવનારા તત્વો સામે પગલાં ભરવા માટેની માંગણી કરવામાં આવી છે.સુરત મહાનગરપાલિકાના વરાછા-એ માં સમાવિષ્ટ વિસ્તાર માં મોજે ડુંભાલ-મગોબ ટી.પી.સ્કીમ લાગુ કરવામા આવી છે.જેમાં ટી.પી.64(ડુંભાલ-મગોબ)ના બ્લોક નં.78 ઑપન પ્લોટ નં.88 ખાતે ફાઇનલ પ્લોટ નં.આર-22 E.W.S.ના હેતુ માટે અનામત રાખવામાં આવ્યો હતો.આ પ્લોટના મૂળ માલિકને ફાઇનલ પ્લોટ નં.888એ અને 88/બી ફાળવવામાં આવ્જેયો હતો.પ્લોટ માલિકને ફાળવેલા પ્લોટ પર બાંધકામ કરી વેચાણ કરી દેવામાં આવ્યું છે.તેમ છતાં મૂળ પ્લોટનો કબજો માલિક સુરત મહાનગર પાલિકા ને હજી સુધી સુપરત કરવામાં આવેલ નથી.પાલિકાને જે પ્લોટ આપવાનો છે તે પ્લોટ પર બિન અધિકૃત કબજો જમાવી પે એન્ડ પાર્ક ચાલુ કરી લોકો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા છે..
જમીન માલિકની આવા પ્રકારની પ્રવૃત્તિથી પાલિકાને આર્થિક નુકસાન જઈ રહ્યું છે.આવાસ માટેના અનામત પ્લોટ નો કબજો લઇ તેના પર પે એન્ડ પાર્કના નામે અત્યાર સુધી લેવામાં આવેલ નાણાંની રિકવરી કરવામાં આવે અને જવાબદારો સામે કાયદાકીય રીતે લેન્ડ રોબિંગ સહિત ફોજદારી કરવા માટે પુર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા પાલિકા તંત્રને રજુઆત કરી છે.જમીન માલિકે પાલિકાને પ્લોટ સુપ્રત કર્યો ન હોવા છતા પાલિકાએ માલિકને અન્ય પ્લોટ કેવી રીતે ફાળવી દીધો?આ અંગે પણ તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં ભરવા માટે માગણી થઈ રહી છે.