– હરિદ્વાર ખાતે યોજાયેલી ધર્મ સંસદમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાના કેસમાં 13 જાન્યુારીના રોજ ધરપકડ કરવામાં આવી હતી
હરિદ્વાર, તા. 25 મે 2022, બુધવાર : ઉત્તર પ્રદેશના શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ અને મુસલમાનમાંથી હિન્દુ બનેલા વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી હવે સંન્યાસ લઈ લે તેવી શક્યતા જણાઈ રહી છે.હરિદ્વાર ખાતેની ધર્મ સંસદમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાના કેસમાં જામીન મળ્યા બાદ ત્યાગી મંગળવારે હરિદ્વાર પહોંચ્યા હતા.અહીં તેમણે નિરંજની આખાડાના મહંત રવિન્દ્ર પૂરીની મુલાકાત લીધી હતી અને સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ મુલાકાતની જાણકારી આપતા રવિન્દ્ર પૂરીએ જણાવ્યુ કે, જિતેન્દ્ર ત્યાગી હવે સંન્યાસ લઈને સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા ઈચ્છે છે.અખાડાના પદાધિકારીઓ અને સંત સમાજ સાથે ચર્ચા કર્યા બાદ ત્યાગીના સંન્યાસ અંગેનો નિર્ણય લેવામાં આવશે.શાંભવી પીઠાધીશ્વર અને શંકરાચાર્ય પરિષદના અધ્યક્ષે જણાવ્યું કે, વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર ત્યાગી હિન્દુ બની ગયા છે અને હવે સંન્યાસ લેવા ઈચ્છે છે.જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે ફરીથી આ ઈચ્છા જાહેર કરી છે.આ માટે અખાડા પરિષદ અને અખિલ ભારતીય વિદ્વત પરિષદની સલાહ લેવી પડશે કે કઈ પરંપરા અંતર્ગત સંન્યાસ આપવામાં આવશે.
જિતેન્દ્ર ત્યાગીની હરિદ્વાર ખાતે યોજાયેલી ધર્મ સંસદમાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં 13 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી.આ કેસમાં સુપ્રીમ કોર્ટે 17 મેના રોજ તેમને 3 મહિનાના વચગાળાના શરતી જામીન આપ્યા હતા.સુપ્રીમના આદેશમાં એક શરત છે કે, તેઓ આ સમયગાળા દરમિયાન કોઈ ઉશ્કેરણીજનક ભાષણ નહીં આપે.ત્યાર બાદ થોડા દિવસ પહેલા ત્યાગી જેલમાંથી છૂટીને બહાર આવ્યા છે.