નવી દિલ્હી,તા 25 મે 2022,બુધવાર : મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકર વગાડવાના મુદ્દે ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ ધમકી આપીને કહ્યુ છે કે, સતારમાં આવેલી અફઝલ ખાનની નાની કબર હવે મસ્જિદ બની ચુકી છે.જો રાજ્ય સરકાર તેને ધ્વસ્ત નહીં કરે તો અમારા કાર્યકરો તેને તોડી પાડશે.
ઠાકરેએ કહ્યુ હતુ કે, એ વ્યક્તિ અમારા છત્રપતિ શિવાજી મહારાજની હત્યા કરવા માટે બીજાપુરથી આવ્યો હતો પણ ઉલટાનુ શિવાજી મહારાજે જ તેને મારી નાંખ્યો હતો.તેની કબર સતારામાં પ્રતાપગઢ કિલ્લા પાસે હતી. 6.5 ફૂટની કબર આજે 15000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે.તેના માટે કોણ જવાબદાર છે અને અહીંયા મસ્જિદ બની રહી છે તો તેને કોણ ફંડ આપી રહ્યુ છે? રાજ ઠાકરેની ધમકી બાદ મહારાષ્ટ્ર સરકારે કબરની સુરક્ષા વધારી દીધી છે. અહીંયા મોટા પાયે પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે.દરમિયાન સતારા પોલીસનુ કહેવુ છે કે, અફઝલ ખાનની કબર 2005થી જ પ્રતિબંધિત ક્ષેત્ર છે.
આ પહેલા રાજ ઠાકરેની પાર્ટીએ ઔરંગઝેબની કબરને લઈને પણ ધમકી આપીને કહ્યુ હતુ કે, આ કબરને તોડી પાડવી જોઈએ જેથી ઔરંગઝેબના સંતાનો અહીંયા માથુ ટેકવા ના આવી શકે.