વર્ષ 2020માં દ્વિચક્રી વાહનોના અકસ્માતમાં 57,282 લોકોએ ગુમાવ્યો જીવ

398

નવી દિલ્હી : તા.26 મે 2022,ગુરૂવાર : માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે વર્ષ 2020માં પ્રતિ 100 રોડ અકસ્માતોમાં ઓછામાં ઓછા 36 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડો છેલ્લા 20 વર્ષોમાં સૌથી ઉંચો છે.ડેટા પ્રમાણે સૌથી વધારે મૃત્યુ દ્વીચક્રી વાહનો પર સવાર લોકોના થયા છે.કુલ 43.5 ટકા લોકોના મોત દ્વીચક્રી વાહનો દ્વારા મુસાફરી દરમિયાન થયા છે.જ્યારે ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કરવાના અનુસંધાને થતા મૃત્યુની સંખ્યામાં 79 ટકાનો વધારો થયો છે.આ બધા કારણોસર વર્ષ 2020માં રોડ અકસ્માતો દરમિયાન થતાં મૃત્યુની સંખ્યામાં 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે,માર્ચ 2020માં કોરોના મહામારીના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું.તે દરમિયાન રસ્તાઓ ખાલી હોવા છતાં પણ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે.આંકડાઓ દર્શાવે છે કે,તે સમય દરમિયાન લોકોએ આડેધડ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે.રિપોર્ટ પ્રમાણે વર્ષ 2020માં માર્ગ આકસ્માતમાં 57,282 ટુ વ્હીલર ચાલકોના મોત થયા છે.જો કે હેલ્મેટ ન પહેરવાના કારણે થતાં મૃત્યુમાં ઘટાડો થયો છે.2019માં 44,666 લોકોના મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હતા જ્યારે આ આંકડો 2020માં ઘટીને 39,589 જોવા મળે છે.યુવા વર્ગનો મૃતકઆંક ઉંચો
આ રિપોર્ટ પ્રમાણે માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ યુવા વર્ગ બને છે.વર્ષ 2020માં 18થી 45 વર્ષની વયજૂથના આશરે 77,500 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.જે ભારતમાં કુલ માર્ગ અકસ્માતના મૃતકઆંકના 69 ટકા હતા.

Share Now