કોંગ્રેસથી કોઈ ફરિયાદ નથી, હવે હું સ્વતંત્ર અવાજ ઉઠાવી શકીશ : કપિલ સિબલ

139

નવી દિલ્હી : તા.26 મે 2022,ગુરૂવાર : વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબલે પણ કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડી દીધો છે.કોંગ્રેસ પાર્ટીમાં રહીને છેલ્લા કેટલાક સમયથી નીડરતાપૂર્વક સંગઠનાત્મક ફેરફારની વાત કરી રહેલા કપિલ સિબલે પોતાના આ પગલાં અંગે અનેક સ્પષ્ટતાઓ કરી હતી.ઉલ્લેખનીય છે કે,કપિલ સિબલ હવે સમાજવાદી પાર્ટીના સમર્થનથી અપક્ષ તરીકે રાજ્યસભામાં જઈ રહ્યા છે.આ અંગેની સ્પષ્ટતા કરતાં કપિલ સિબલે જણાવ્યું કે,’અનેક પાર્ટીઓએ મારા પાસે આવીને મને તેમના સાથે જોડાઈ જવા માટે આગ્રહ કર્યો હતો પરંતુ મેં નિવેદન આપી દીધેલું હતું કે હું જીવતેજીવ ભાજપમાં પણ નહીં જઉં અને કોઈ પક્ષમાં પણ નહીં જોડાઉં.મારે અખિલેશજી સાથે વાત થઈ હતી પણ મેં જાહેરમાં કહી રાખ્યું હતું તેવામાં મેં તેમને કહ્યું કે,હું કોઈ પક્ષમાં નહીં જોડાઉં,જો તમને યોગ્ય લાગે તો હું અપક્ષ તરીકે રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવી શકું છું.તમને ઉચિત લાગે તો મને સપોર્ટ કરી દેજો.ત્યારે અખિલેશે કહ્યું હતું કે,ચોક્કસ.અમે ઈચ્છીએ છીએ કે,તમારા જેવા લોકો રાજ્યસભામાં આવે,પછી ભલે તમે કોઈ પણ પક્ષમાં ન જોડાઓ.’

આટલો લાંબો સમય કોંગ્રેસમાં રહ્યા બાદ તેનો સાથ છોડવા અંગે સ્પષ્ટતા કરતા સિબલે કહ્યું કે,’કોઈ પક્ષમાં માલિક અને કર્મચારી જેવા સંબંધો નથી હોતા.મને લાગ્યું કે,30 વર્ષ બાદ મારે નવો રસ્તો અપનાવવો જોઈએ.આ અંગત વિચારસરણી હોય છે.આ મારો પોતાનો નિર્ણય છે.મને કોંગ્રેસથી ફરિયાદ નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય.પાર્ટીના નેતાઓ મારા મિત્ર છે અને રહેશે.કોંગ્રેસની જે વિચારધારા છે તેના સાથે જોડાયેલો રહીશ.હું વિચારધારા નથી છોડી રહ્યો.જો અપક્ષ તરીકે રાજ્યસભામાં જીતી ગયો તો પ્રવેશ કરીશ.આના સંદર્ભમાં મેં વિચાર્યું કે,અખિલેશજી સાથ આપે છે તો શા માટે એમનું સમર્થન ન લેવું જોઈએ.આ તેમની મહાનતા છે કે,તેમણે સાથ આપ્યો.’કોંગ્રેસમાં અસંતુષ્ટોનો અવાજ નથી સાંભળવામાં આવતો વગેરે અટકળો અંગે સ્પષ્ટતા કરતા સિબલે કહ્યું કે,’મને લાગ્યું કે,નવો રસ્તો અપનાવવો જોઈએ.કોંગ્રેસ યોગ્ય રીતે ચાલી રહી છે કે નહીં તે અંગે મારે કોઈ ટિપ્પણી નથી કરવી.કોંગ્રેસ એક નેશનલ પાર્ટી છે,મારી શુભેચ્છાઓ તેના સાથે છે.ઈતિહાસમાં જે બન્યું,ન બન્યું વગેરે અંગે ટિપ્પણી નથી કરવી.’તેમના જેવા વરિષ્ઠ નેતાથી લઈને 28 વર્ષીય હાર્દિક પટેલ પણ કોંગ્રેસ છોડી રહ્યો છે તે અંગે તેમણે કરોડો કાર્યકરો તો પાર્ટી છોડીને નથી જઈ રહ્યા તેવો ડિપ્લોમેટિક જવાબ આપ્યો હતો.

Share Now