વરાછા ઝોને અનામત પ્લોટ પર થયેલા દબાણો દૂર કરાવ્યા પણ લેન્ડ ગ્રેબિંગ કેસ ન કર્યો, અધિકારીની જવાબદારી પણ નક્કી ન કરાઈ

148

સુરત : તા.26 મે 2022, ગુરૂવાર : સુરત મહાનગર પાલિકાના અનામત પ્લોટ પર ગેરકાયદે દબાણ કરીને પે એન્ડ પાર્ક ચાલતું હોવાની ફરિયાદ બાદ તંત્ર ઉંઘમાંથી જાગ્યું છે અને આ દબાણ દુર કરાવાયા છે.પરંતુ લાંબા સમયથી પાલિકાના પ્લોટ પર ગેરકાયદે કબજો કરીને પે એન્ડ પાર્ક બનાવી થતાં ઉઘરાણા સામે કોઈ પગલાં ભર્યા નથી.આ કિસ્સામાં બેદકારી દાખવનારા અધિકારીઓ સામે પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હોય આવી નબળી કામગીરીને કારણે પાલિકાના પ્લોટ પર ગેરકાયદે દબાણ બે રોક ટોક થઈ રહ્યાં છે.ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયાએ પાલિકા, નગર પાલિકાના પ્લોટ પર કે સરકારી જગ્યામાં ગેરકાયદે દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની કામગીરી કરવા માટે સૂચના આપી હતી.પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ આ સૂચનાનો અમલ કરવાના બદલે દબાણ કરનારા સામે કુણા વર્તન દાખવી રહ્યાં હોવાનું ફરી એક વાર બહાર આવ્યું છે.મહાનગર પાલિકાના વરાછા ઝોન-એમાં ડુંભાલ-મગોબ ખાતે આવેલ બ્લોક નં.78ના ફાઈનલ પ્લોટ નં. આર-22 ઇડબલ્યુએસ આવાસ માટે અનામત રાખવામાં આવ્યો હતો.આ પ્લોટ પર ગેરકાયદેસર રીતે પે એન્ડ પાર્ક ધમધમતું હતું.આ અંગે કોંગ્રેસના ર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા દ્વારા ફરિયાદ કરવાની સાથે સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ પણ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી.

મનપાની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને પે એન્ડ પાર્કના નામે ઉઘરાણીની ફરિયાદ બાદ આજે વરાછા ઝોન-એ દ્વારા અંતે પ્લોટ પર ચાલતા પે એન્ડ પાર્કના નામે કરવામાં આવતા ઉધરાણા બંધ કરવાની સાથે જમીનનો કબ્જો મેળવવામાં આવ્યો હતો.પાલિકાના વરાછા ઝોને અનામત પ્લોટનો કબજો તો લઈ લીધો હતો પરંતુ આ પ્લોટ પર ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા સામે કોઈ પગલાં ભર્યા નથી કે આ માટે બેદકારી દાખવનાર અધિકારીની તપાસ કરી કે તેમના વિરુદ્ધ પગલાં ભરવા જેવું કોઈ કામ કર્યું નથી.જેના કારણે પાલિકાના પ્લોટ પર પાલિકાના અધિકારીઓની મીલી ભગત માં પે એન્ડ પાર્ક ગેરકાયદી ચાલી રહ્યું હોવાની ફરિયાદ થઈ રહી છે.

Share Now