રૂદ્રપ્રયાગ : તા.27 મે 2022, શુક્રવાર : ચારધામ યાત્રામાં આ વખતે કેદારનાથ ધામની યાત્રા શ્રદ્ધાળુઓની પહેલી પસંદ બની રહી છે.પાછલા તમામ રેકોર્ડ બ્રેક કરીને આ વખતે 20 દિવસની યાત્રામાં 3.5 લાખ શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરી ચુક્યા છે.જોકે આ યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા ઘોડા અને ખચ્ચરોની ભારે અવગણના થઈ રહી છે.તેમના માટે કોઈ પણ પ્રકારની પૂરતી વ્યવસ્થા નથી અને તેમના અવસાન બાદ વિધિવત દાહ સંસ્કાર પણ નથી કરવામાં આવતા.કેદારનાથના ચાલીને જવાના માર્ગ પર ઘોડા-ખચ્ચરોના અવસાન બાદ તેમના માલિકો અને હોકર્સ તેમને ત્યાંથી જ ફેંકી દે છે. ઘોડા-ખચ્ચરોના મૃતદેહ સીધા મંદાકિની નદીમાં જઈને પડે છે અને તેના કારણે નદી પ્રદૂષિત થાય છે.તેવામાં કેદારનાથ ક્ષેત્રમાં મહામારી પણ ફેલાઈ શકે છે.અત્યાર સુધીમાં 1.25 લાખ શ્રદ્ધાળુઓએ ઘોડા-ખચ્ચરની મદદથી યાત્રા કરી છે.જ્યારે બાકીના લોકો હેલિકોપ્ટર દ્વારા અને પગે ચાલીને ધામ સુધી પહોંચ્યા છે.
બાબા કેદારના ભક્તોએ સમુદ્રની સપાટીથી 11,750 ફૂટની ઉંચાઈ પર સ્થિત કેદારનાથ ધામ સુધી પહોંચવા માટે 18થી 20 કિમીનું અંતર કાપવાનું હોય છે.આ યાત્રામાં ઘોડા-ખચ્ચરો મહત્વની ભૂમિકા ભજવે છે. જોકે સામે આ પ્રાણીઓને પેટ ભરીને ચણા,ભૂંસુ અને ગરમ પાણી વગેરે નથી મળી રહ્યા.તમામ પ્રકારના દાવાઓ છતાં ચાલીને જવાના રસ્તા પર એક પણ સ્થળે ઘોડા-ખચ્ચર માટે ગરમ પાણીની વ્યવસ્થા નથી.