સુરત : તા.27 મે 2022, ગુરૂવાર : હાલના ફાસ્ટ યુગમાં ગૃહણીઓ પાસે સમયનો અભાવ હોવા ઉપરાંત વર્ષોથી ઘરે બનાવવામાં આવતા અથાણાની પરંપરા લુપ્ત થઈ રહી છે.તેમ છતાં હજી સુરતીઓની થાળીમાં અથાણાનું સ્થાન યથાવત રહ્યું છે.ઘણા લોકો ઘરનું અથાણું ખાવાનો જ આગ્રહ રાખતા હોય છે તેના કારણે હાલ અથાણાની સિઝનમાં ઘર અને બહાર બંનેનું મિલન થાય તેવું હાઈબ્રિડ સ્ટાઈલમાં અથાણું બનાવવાનો ટ્રેન્ડ જોરમાં શરૂ થયો છે.લોકો બહારથી કેરી કપાવીને લાવે,અને ગાંધીની દુકાનેથી અથાણાનો સંભાર મસાલો લાવે અને એક દિવસની પ્રોસેસ કરી આખા વર્ષ માટે અથાણું ભરતાં થયા છે.
ભોજનની થાળી ગુજરાતી હોય કે અન્ય પ્રાંતની તેમાં અથાણાનું સ્થાન અચૂક જોવા મળે છે.સમગ્ર ભારતની વાત કરવામાં આવે તો ભારત ભરમાં 150થી વધુ જાતના અથાણા બનાવવામા આવે છે.પરંતુ સુરત અને દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે કેરીનું અથાણું બનાવવાની પરંપરા ચાલી આવી છે.જોકે,હાલ લોકો પાસે સમય ન હોવા છતાં તૈયાર અથાણાંના બદલે ઘરે બનાવેલું અથાણાનો આગ્રહ રાખે છે તેના કારણે હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિવિધ પ્રકારના અથાણા બનાવવાનો તૈયાર સંભાર(અથાણાનો મસાલો)નું બજાર ગરમાયું છે.
હાલમાં કેરીની સિઝન ચાલી રહી છે તેની સાથે અથાણાંની સિઝન પર પુરજોશમાં ચાલી રહી છે.સુરતીઓ હાલમાં મુખ્યત્વે મેથીયા અથાણું,ગુંદા કેરી અથાણું,ગોળ કેરી અથાણું સાથે આમ ચસ્કા અથાણું જેવા અથાણા બનાવે છે.હાલ ગૃહણીઓ પાસે સમય ન હોવા છતાં ઘરના લોકો ઘરે બનાવેલા અથાણાનો આગ્રહ રાખતાં હોય ગૃહણીઓ હવે બજારથી બધી સામગ્રી લાવીને ઘરે અથાણું બનાવી રહ્યા છે.આ પ્રકારના અથાણું બનાવનાર શિલ્મા રાજાણી કહે છે,હાલ અથાણાની સિઝન છે તેથી અમે અથાણું તો ઘરે જ બનાવીએ છીએ પરંતુ બધી સામગ્રી બહારથી જ લાવીએ છીએ.હાલ બજારમાં ગાંધીની દુકાનોમાં અથાણાં બનાવવા માટે તૈયાર મસાલા મળે છે તેમાં દરેક વસ્તુ માપસર હોય છે તેથી માત્ર કેરી લાવી અને તેને ઘરે પ્રોસેસ કરીને પરંપરા મુજબ નું અથાણું બનાવી દઈએ છીએ તે અથાણાં નો ઉપયોગ આખુ વર્ષ કરવામાં આવે છે.બજારમાં અથાણાં બનાવવા માટે નો મસાલો તૈયાર મળતો હોવાથી ઘરના ટેસ્ટ નું અથાણું બનાવી શકીએ છીએ.