મે વલણનો અંત : બેંકિંગ, મેટલ, આઈટી શેરોમાં શોર્ટ કવરિંગ

130

મુંબઈ : તેજી-મંદીવાળા આમને-સામને આવી ગયો હોય એમ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)માં મે વલણના અંતનું સપ્તાહ અપેક્ષિત કાતિલ અફડાતફડીનું નીવડીને આજે ટ્રેડરોને બન્ને છેડે છુટ્ટાછેડાં કરાવી એટલે કે બન્ને તરફ ઘણા ખેલંદાઓના સ્ટોપ લોસ ટ્રીગર કરાવતી તોફાની વધઘટ બાદ વલણનો અંત આવ્યો હતો.નિફટીના’રાજા’એ મોટા ફોરેન ફંડોના સથવારે નિફટીમાં અપેક્ષિત મોટું તોફાન મચાવી અહીંથી અગાઉ જણાવ્યા મુજબ સપ્તાહ દરમિયાન એફ એન્ડ ઓના કેસીનોમાં છેલ્લે બેંકિંગ-ફાઈનાન્સ,મેટલ-માઈનીંગ શેરોમાં શોર્ટ કવરિંગના જોરે બજારને પોઝિટીવ ઝોનમાં બંધ લાવી મૂક્યું હતું.આ સાથે આઈટી-સોફટવેર સર્વિસિઝ,ટેકનોલોજી શેરોમાં પણ બિગબુલ-નિફટીના રાજાએ શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કરતાં સેન્સેક્સ અફડાતફડીના અંતે ૫૦૩.૨૭ પોઈન્ટ વધીને ૫૪૨૫૨.૫૩ અને નિફટી સ્પોટ ૧૪૪.૩૫ પોઈન્ટ વધીને ૧૬૧૭૦.૧૫ બંધ રહ્યા હતા.

એફ એન્ડ ઓના કેસીનોમાં ચાલુ સપ્તાહમાં થયેલી કાતિલ વધઘટમાં ઘણા ટ્રેડરો ખુવાર થયાનું જાણવા મળે છે.નિફટીનો રાજાએ ફોરેન ફંડોના સથવારે પાછલા દિવસોમાં કરેલા મંદીના વેપાર બાદ આજે મોટું શોર્ટ કવરિંગ કરીને મંદીનો વેપાર સરખો કરવાની શરૂઆત કર્યાની ચર્ચા હતી.મ્યુચ્યુઅલ ફંડો-લોકલ સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં નેટ ધોરણે ખરીદીના આંકડા છતાં ફંડોએ ઘણી સ્કિમોમાં એનએવી તૂટી રહી હોઈ હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો-રોકાણકારોના નવા રોકાણને બ્રેક સાથે રીડમ્પશનના વધતાં જતાં દબાણ અને એસઆઈપી ઘટી ગઈ હોઈ સ્મોલ,મિડ કેપ શેરોમાં દરેક લેવલે સેલીંગ કરીને કેશ ઓન હેન્ડ પોઝિશન સલામત કરવાનો વ્યુહ અપનાવ્યો હોવાનું જાણવા મળે છે.સેન્સેક્સ આજે ૫૩૪૨૫.૨૫ થી ૫૪૩૪૬.૨૨ની રેન્જમાં અને નિફટી ૧૫૯૦૩.૭૦ થી ૧૬૨૦૪.૪૫ની રેન્જમાં અસાધારણ ફંગોળાતી ચાલ બતાવી ત્રણ દિવસની નરમાઈ બાદ પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા.

Share Now