બારડોલી : સુરત જિલ્લાના બારડોલીના ગાંધીરોડ પર આવેલા તુલસી ટાવરમાં રહેતા એક જ્યોતિષને એક ઇસમે પોલીસની ઓળખ આપી અંકલેશ્વર પોલીસ મથકમાં તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે એમ કહી પતાવટ પેટે રૂ.9000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દીધા હતા.બારડોલી ટાઉન પોલીસે જ્યોતિષની ફરિયાદના આધારે પોલીસની ઓળખ આપનાર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના ગાંધી રોડ પર આવેલ તુલસી ટાવરમાં રહેતા અને મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના વતની વિવેક પદમચંદ સુરાના(ઉ.વર્ષ 40)જ્યોતિષીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.સાથે તેઓ કેમિકલનો પણ વેપાર કરે છે.ગત 16મી મેના રોજ સવારે 11 વાગ્યાના સુમારે તેમના મોબાઇલ ફોન પર અજાણ્યા ઈસમનો ફોન આવ્યો હતો.અને જણાવ્યુ હતું કે,તમે વિવેક સુરાના બોલો છો?અને તમે જ્યોતિષીનું કામકાજ કરો છો?આથી વિવેકે હા પાડી હતી.સામેથી ઇસમે પોતાની ઓળખ આપતા જણાવ્યુ હતું કે,હું અંકલેશ્વર પોલીસ સ્ટેશનથી વિક્રમસિંહ વાઘેલા બોલું છું તમારા વિરુદ્ધમાં ફરિયાદ આવેલ છે.વિવેકે ફરિયાદ બાબતે પૂછતાં વિક્રમસિંહ ઉશ્કેરાય ગયો હતો અને ફોન પર ગાળા ગાળી કરવા લાગ્યો હતો.બાદમાં તેણે મેટરમાં સમાધાન કરવું હોય તો પહેલા ફરિયાદના ખાતામાં ચાર હજાર રૂપિયા ગૂગલ પેથી જમા કરવા જણાવ્યુ હતું.
આથી વિવેકે વિક્રમસિંહે આપેલા નંબર પર 4 હજાર ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ વિક્રમસિંહે મારૂ શું એમ કહી બીજા દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવ્યુ હતું.પરંતુ એટલા રૂપિયા નહીં હોવાથી વિવેકે તેના ખાતામાં બીજા 2500–2500 હજાર બે વખત એમ પાંચ હજાર મળી કુલ 9000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.બાદમાં સમગ્ર ઘટના અંગે પોતાની સાથે દગો થયો હોવાની જાણ થતાં આ અંગે તેણે બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ કરી હતી.બારડોલી પોલીસે વિક્રમસિંહ વાઘેલા નામના શખ્સ વિરુદ્ધ IPCની કલમ 384,170,504,507 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.