રુબૈયા સઈદને તેના અપહરણના મામલામાં CBI કોર્ટે સમન્સ પાઠવ્યું

135

નવી િદલ્હી : કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈની એક કોર્ટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રુબૈયા સઈદને સમન્સ ઈશ્યુ કર્યું છે અને 15 જુલાઈએ હાજર થવા કહ્યું છે.રુબૈયાનું 1989માં અપહરણ થયું હતું અને આ અપહરણ કેસમાં કોર્ટમાં હાજર થવા સમન્સ ઈશ્યુ કર્યું છે.અહીંયા નોંધવું રહ્યું કે,રુબૈયા સઈદને પોતાના જ અપહરણ મામલામાં પહેલીવાર કોર્ટમાં હાજર થવા કહેવાયું છે. રુબૈયાને અપહરણકારોથી મુક્ત કરાવવા માટે પાંચ આતંકવાદીઓને જેલમાંથી છોડવા પડ્યા હતા.રુબૈયા સઈદ તમિલનાડુમાં રહે છે અને સીબીઆઈએ તેમના પ્રોસિક્યુશન પક્ષના સાક્ષી તરીકે યાદીમાં રાખ્યા છે. સીબીઆઈએ 1990ના દાયકાના આરંભમાં આ મામલામાં તપાસ પોતાના હાથમાં લીધી હતી.રુબૈયા સઈદના અપહરણ મામલામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જેકેએલએફના પ્રમુખ યાસીન મલિક એક આરોપી છે.યાસીન મલિકને તાજેતરમાં આતંકી ગતિવિધિ માટે આર્થિક મદદ કરવાના મામલામાં ઉમ્રકેદની સજા થઈ છે.આ કેસમાં સીબીઆઈએ ટાડા કોર્ટની સમક્ષ પોતાની ચાર્જશીટમાં બે ડઝન આરોપીના નામ સામેલ કર્યા હતા,એમાંથી મોહમ્મદ રફીક ડાર તથા મુશ્તાક અહમદ લોનનું મોત થઈ ગયું છે,

જ્યારે અન્ય ફરાર છે.સીબીઆઈના કહેવા અનુસાર રુબૈયા ઘરે જવા માટે મિની બસમાં બેઠી તો બસમાં પહેલાથી બેઠેલા આતંકીઓએ બંદૂકની અણી પર તેનું અપહરણ કર્યું હતું.ત્યારબાદ એક કારમાં બંધક બનાવીને રાખી હતી,જ્યાં સુધી અલગ-અલગ જેલોમાં કેદ જેકેએલએફના પાંચ આતંકીઓને છોડવામાં આવ્યા નહીં.એ વખતની સરકારે આતંકીઓની માંગ સ્વીકારી અને તેમના પાંચ સાથીઓને જેલમાંથી છોડ્યા હતા અને ત્યારબાદ 13 ડિસેમ્બરે રુબૈયાને આતંકવાદીઓએ મુક્ત કરી હતી.

Share Now