દેશમાં ડ્રોન ટેકનિક રોજગાર આપશે, ભારત 2030 સુધીમાં ડ્રોન હબ બનશે

281

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના પ્રગતિ મેદાનમાં બે દિવસના ડ્રોન મહોત્સવ ૨૦૨૨નું ઉદ્ધાટન કર્યું હતું.આ દરમિયાન તેમણે પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું.તેમણે કહ્યું કે,વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત ડ્રોન હબ બની જશે અને ડ્રોન ટેકનિક વ્યાપક સંખ્યામાં રોજગારી પૂરી પાડશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,આ મહોત્સવ માત્ર ડ્રોનનો નથી,પરંતુ નવા ભારત-નવા ગવર્નન્સનો ઉત્સવ છે.ડ્રોન ટેક્નોલોજી અંગે ભારતમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે,તે અદ્ભૂત છે.આ ઊર્જા ભારતમાં ડ્રોન સર્વિસ અને ડ્રોન આધારિત ઉદ્યોગની લાંબી છલાંગનું પ્રતિબિંબ છે.આ ઊર્જા ભારતમાં રોજગાર સર્જનના ઊભરતા મોટા સેક્ટરની સંભાવનાઓ છે.વડાપ્રધાને કહ્યું કે,પહેલાંની સરકારોએ ટેક્નોલોજીને સમસ્યા,ગરીબ વિરોધી માની હતી.તેથી ૨૦૧૪ પહેલા ગવર્નન્સમાં ટેક્નોલોજીના ઉપયોગ અંગે ઉદાસીનતા હતી.તેનું સૌથી વધુ નુકસાન ગરીબો,મધ્યમ વર્ગને થયું.

તેમણે ઉમેર્યું કે,કેદારનાથના પુનઃનિર્માણનું કામ શરૂ થયું તો હું ડ્રોન મારફત નિરીક્ષણ કરતો હતો.આજે સરકારી કામોની ગુણવત્તા જોવા માટે ડ્રોન ખૂબ જ સરળ વિકલ્પ છે.તેના નિરીક્ષણ માટે મારે રૂબરૂ જવાની જરૂર નથી.થોડાક સમય પહેલાં સુધી ડ્રોન માટે ભારત સંપૂર્ણપણે આયાત પર નિર્ભર હતું.પરંતુ હવે તે ઝડપથી આ બાબતે આત્મનિર્ભર બની રહ્યું છે.ઘરેલુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ફેબુ્રઆરીમાં ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂકાયો હતો.હવે માત્ર આરએન્ડડી,ડિફેન્સ અને સિક્યોરિટી માટે જ ડ્રોનની આયાતની મંજૂરી છે.તેના માટે પણ ક્લિયરન્સ જરૂરી છે.ડ્રોનનો ઉપયોગ માત્ર સંરક્ષણ ક્ષેત્રમાં જ થશે તેમ મનાતું હતું.પરંતુ આગામી સમયમાં દરેક ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ થઈ શકશે.વડાપ્રધાને કહ્યું કે મારું સપનું છે કે દેશના દરેક ખેતરમાં એક ડ્રોન હોય.તેની મદદથી ખેડૂતો તેમના ખેતરમાં દવાનો છંટકાવ કરી શકશે અને ખાતર પણ નાંખી શકશે.ખેડૂતોએ તેના માટે ખેતરમાં જવાની પણ જરૂર નહીં પડે.

Share Now