સુરત : તા.28 મે 2022,શનિવાર : સુરતના સહારા દરવાજા સ્થિત સ્મીમેર હોસ્પિટલથી ઓટો રીક્ષામાં બેસી વરાછા ખાંડ બજાર ગરનાળા જનાર હોસ્પિટલની નર્સને રીક્ષા ચાલક અને સહમુસાફરના સ્વાંગમાં સવાર બે મહિલાએ વાતચીતમાં પળોવી રૂ.5.67 લાખના દાગીના વાળી બેગ તફડાવીને રફુચક્કર થઇ ગયા હતા.જો કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી છે.સહારા દરવાજા સ્થિત સુરત મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા નીલાબેન જીગ્નેશ કોસંબીયા(ઉ.વ.38 રહે.નર્સીંગ સ્ટાફ ક્વાટર્સ,સ્મીમેર મેડીકલ કોલેજ,ઉમરવાડા અને મૂળ. પારડી ઝાંખરી ગામ,તા.ઓલપાડ,જિ.સુરત)ગત બપોરે સ્મીમેર હોસ્પિટલની સામેથી ઓટો રીક્ષામાં બેસી વરાછા ખાંડ બજાર ગરનાળા જઇ રહ્યા હતા.ત્યારે રીક્ષા ચાલકની સાંઠગાંઠમાં અગાઉથી રીક્ષામાં સહમુસાફરના સ્વાંગમાં સવાર બે ઠગ મહિલાએ વાતચીતમાં પળોવી એકબીજાની બેગ સાથે અદલા બદલી કરી લીધી હતી.જેમાં નીલાબેનની રૂ.5.67 લાખના દાગીના અને મહત્વના ડોક્યુમેન્ટ્સ વાળી બેગ તફડાવી રીક્ષા ચાલક અને ઠગ મહિલાઓ રફુચક્કર થઇ ગઇ હતી.ઘટના અંગે નીલાબેન કોસંબીયાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજના આધારે બે મહિલા સહિત રીક્ષા ચાલકની ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી છે.