ઉધનામાં માતા-પુત્રીને ચપ્પુની અણીએ રીક્ષા ચાલક અને બે મહિલાઓએ લૂંટી લીધા

265

સુરત : તા.28 મે 2022,શનિવાર : ઉધના મેઇન રોડ વેલકમ સર્કલ પાસે ઉભેલા માતા-પુત્રીને આગળ બાઇક લઇ ઉભેલા બે યુવાનો તમને લૂંટી લેશે તેવો ડર બતાવી રીક્ષામાં બેસાડી ચપ્પુની અણીએ રોકડ અને મંગળસૂત્ર મળી રૂ.1,42,500 ની મત્તા લૂંટી લેનાર રીક્ષા ચાલક સહિતની ટોળકીની ઉધના પોલીસે શોધખોળ હાથ ધરી છે.પાંડેસરા-બમરોલી રોડ સ્થિત ગોવર્ધનનગર સોસાયટીમાં રહેતી ગૃહિણી કમલાબેન રામચંદ્ર આમંચીની(ઉ.વ.48)અને તેમની પુત્રી સપના ઉધના વેલકમ સર્કલ સ્થિત આર્શીવાદ ફર્નિચર નામની દુકાન સામે ઉભા હતા.ત્યારે રીક્ષામાં અગાઉથી સવાર બે મહિલા સાથે ચાલક ઘસી આવ્યો હતો. ચાલકે આગળ બાઇક લઇ બે જણા ઉભા છે તે તમને લૂંટી લેશે એમ કહી માતા-પુત્રીને ઘરે મુકી દેશે એમ કહી રીક્ષામાં બેસાડી લીધા હતા.દરમિયાનમાં થોડે આગળ જઇ સપનાને રીક્ષામાંથી ઉતારી દીધી હતી. જયારે ચાલક અને અગાઉથી રીક્ષામાં સવાર બે મહિલાએ કમલાબેન સાથે ઝપાઝપી કરી ચપ્પુની અણીએ સોનાનું મંગળસૂત્ર કિંમત રૂ.1.40 લાખ અને રોકડા રૂ.2500 મળી કુલ રૂ.1,42,500 ની મત્તા લૂંટીને ભાગી ગયા હતા.ઘટના અંગે કમલાબેને ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Share Now